સુરતમાં મહાનગર પાલિકાના નકલી સિક્કા બનાવી સરકારી જમીન વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયુ છે. મહાનગર પાલિકાના પ્યૂન હળપતિની આ ઘટનામાં પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મહાનગર પાલિકાના પટાવાળા અને જમીન ખરીદનારની ધરપકડ કરી છે. બંને જણાએ સરકારી જમીનના હક બીજાના નામે કરીને કૌભાંડ આચર્યું હતું. બોગસ બાંહેધરીપત્ર અને કબજાની રસીદ રજૂ કરી હતી. સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલ હાલ વોન્ટેડ છે. ઉતરાણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મહાનગર પાલિકાના નકલી સિક્કા બનાવવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત મહાનગર પાલિકાના પટાવાળાની મદદથી મહાનગર પાલિકાના બોગસ સિક્કા બનાવીને સરકારી જમીન વેચી નાંખવાનું કૌભાંડ પકડાયું છે. આ જમીન વેચવા માટે બોગસ બાહેંધરી પત્ર, એફિડેવિટ અને કબજા રસીદ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડમાં મહાનગર પાલિકાના પટાવાળા કલ્પેશકુમાર હળપતિની મદદથી મહાનગર પાલિકાના નકલી સિક્કા બનાવવામાં આવ્યા હતાં.
સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલ વોન્ટેડ જાહેર
સરકારી જમીનના હક બીજાના નામે ચડી ગયા હતાં. તે ઉપરાંત વેરા બિલમાં પણ નામ ચડાવી દેવાયા હતાં. આ માટે બોગસ બાહેંધરી પત્ર, એફિડેવિટ અને કબજા રસીદ રજૂ કરી હતી. મહાનગર પાલિકાના કાર્યપાલક ઈજનેરે સુરતની ઉતરાણ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે મહાનગર પાલિકાના પટાવાળા કલ્પેશકુમાર હળપતિ અને જમીન ખરીદનારની ધરપકડ કરી હતી. સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.