પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે કારણ કે, ડાંગરના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. પાછોતરા વરસાદથી ડાંગરની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે લાભ પાંચમના દિવસ સુધી 2.55 લાખ ગુણી ડાંગરની સહકારી મંડળીઓમાં આવક થઈ હતી, ચાલુ વર્ષે આજના દિવસ સુધી માત્ર 1.19 લાખ ગુણી ડાંગરની આવક થઇ છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વરસેલા સતત વરસાદને કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત માં ડાંગર પકવતા ખેડૂતો ની હાલત તો અત્યંત ખરાબ થઈ છે ,દક્ષિણ ગુજરાત માં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ડાંગર ની ખેતીમાં નંબર વન પર હોઈ છે , ભૂંડ ના ત્રાસ ના કારણે ઓલપાડ તાલુકાના લોકો શેરડી છોડી ડાંગર ની ખેતી તરફ વળ્યા છે પરંતુ સતત વરસાદે ખેડૂતો ની આખા વર્ષ ની મહેનત પર પાણી ફેરવી દીધું છે , મોઢા સુધી આવેલો કોળિયો ખેડૂતો નો છીનવાઈ ગયો છે , ભારે વરસાદ અને વારંવાર કીમ નદીમાં આવેલા પૂર ના કારણે ડાંગરના પાક માં ભારે નુકશાન થયું છે અને જેને કારણે ચાલુ વર્ષે ડાંગર ની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.













