સુરતના માંગરોળ તાલુકા પંચાયતના લીંબાડા બેઠકના ભાજપના મેન્ડેટ પર ચૂંટણી જીતેલા સભ્ય ભરત પટેલ વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો ભરત પટેલની માંગરોળના લીંબડા ગામ ખાતે જૂની શરતની જમીન આવેલી છે, ભરત પટેલે આ જમીન હસમુખ લાલ ભાગુભાઈ પટેલને વેચાણ આપી હતી, જોકે ભરત પટેલના પરિવારના સભ્યોને સમગ્ર જમીન વેચાણ બાબતે જાણ થતા પરિવારના સભ્યોએ માંગરોળ ખાતે કચેરીમાં વાંધા અરજી રજૂ કરી હતી.


વાંધા અરજીની સુનાવણી દરમ્યાન ભરત પટેલનો સમગ્ર ભાંડો ફૂટી ગયો

આ વાંધા અરજીની સુનાવણી દરમ્યાન ભરત પટેલનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો, ભરત પટેલ દ્વારા વેચેલી જમીન પર ભરત પટેલ દ્વારા લેવાયેલી લોનનો બોજો હતો, ભરત પટેલે આ બોજો કમી થયા હોવાનો બેંકનો લેટર પણ નકલી બનાવી લેનાર પાર્ટી સામે રજુ કર્યો હતો અને લેનાર પાર્ટી સાથે છેતરપિંડી કરી હતી, જોકે તપાસમાં ભાંડો ફૂટી જતા માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ દ્વારા સરકાર પક્ષે જાતે ફરિયાદી બની કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે તરત જ ભરત પટેલની ધરપકડ કરી લીધી

જોકે ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે તરત જ ભરત પટેલની ધરપકડ કરી લીધી હતી અને લોક અપમાં ધકેલી દીધો હતો, જોકે રાત્રી દરમ્યાન લોક અપમાં ભરત પટેલની તબિયત લથડતા તેને માંગરોળ સી.એચ.સી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, બીજી તરફ પોલીસ ફરિયાદ થતાં જ ભાજપ પ્રમુખ દ્વારા ભરત પટેલને સભ્ય પદેથી અને પક્ષમાંથી સસ્પેન્ડ કરી પોતાના હાથ ખંખેરી લીધા હતા. 

  • Follow us on: