સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સીટી અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અવાર-નવાર ડ્રગ્સની હેરાફેરી કરતા કે ડ્રગ્સ માફિયાઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સુરતમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ, સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલરોને પકડવા માટે 2 ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સના જથ્થા સાથે 3 પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ M.D ડ્રગ્સ કબ્જે કરાયું છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બે આરોપી સાળા-બનેવી હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં 10 લાખ ના MD ડ્રગ્સ મામલે ક્રાઈમ બ્રાંચે રાંદેર ટાઉન વિસ્તારમાંથી 3ને દબોચી લીધા છે. આ ત્રણ પૈકીના બે સાળા બનેવી નીકળ્યા છે. આરોપી પેડલર ફહદ સઈદ શેખ, સાહીલ અલ્તાફ સૈયદ અને સોહાન હજીફુલ્લાખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ M.D ડ્રગ્સ કબ્જે કરાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે સૌપ્રથમ એમ.ડી ડ્રગ્સ સાથે આરોપી ફહદ અને સાહીલની ધરપકડ કરી હતી.
પોલીસે સોહાનને પણ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે પકડ્યો છે. આરોપી સોહાન પાસેથી ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો-મટીરીયલ મળ્યું છે. મેગ્નેશીયમ સલ્ફેટનો જથ્થો પણ મળી આવ્યો છે. સોહાન પ્રતિબંધિત ડ્રગ્સ અને ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો-મટીરીયલ 24 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈથી લાવ્યો હતો. આરોપી સાહીલ અગાઉ વર્ષ 2019માં પોતાના કાકાની હત્યા કરી હતી. સાહિલ 6 મહિના સુધી જેલમાં પણ હતો. આરોપી ફહદ શેખ તથા સાહિલ સૈયદ સાળો-બનેવી હોવાનું સામે આવ્યું છે.
અમુક પેડલરો ઓનલાઈન ડ્રગ્સ મંગાવે છે
ઉલ્લેખનીય છે કે, અમુક પેડલરો સોશિયલ મીડિયા તથા ડાર્કવેબનો ઉપયોગ કરીને LSD ડ્રગ્સ તથા હાઈબ્રીડ ગાંજો વેચવાની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. આરોપીઓ પર વોચ રાખવામાં આવી હતી. આ ઉપરાંત સુરતમાં પણ પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાતમીના આધારે આરોપીના ઘરે દરોડો પાડીને મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
અગાઉ પણ 10 લાખનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાંથી 10 લાખના MD ડ્રગ્સ સાથે બે શખસ ઝડપાયા હતા. અઠવા પોલીસને મળતી માહિતી અનુસાર સરદાર સ્મૃતિ ભવનની સામે કદમફલી રો હાઉસથી કાદરસાની નાળ તરફ બે યુવક બાઈક પર ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જે બાતમી આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠ હતી. બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા. યુવકોની તપાસ કરતા 100 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 10 લાખ આસપાસ થાય છે.