- બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવા પડ્યા
- સિવિલ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ
- સિવિલ હોસ્પિટલને રીપેરીંગના નામે લીપા પોતી
સુરતની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર પડી છે. જેમાં બિલ્ડીંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવા પડ્યા છે. તેમાં સિવિલ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દિવાલો જર્જરિત થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલને રીપેરીંગના નામે લીપા પોતી થઇ છે. હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહીત છેક મહારાષ્ટ્રથી હજારો લોકો અહીં સારવાર માટે આવે છે.
શહેરની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર થઇ
શહેરની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર થઇ છે. ચાર માળની બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવામાં આવ્યા છે. તમે ટેકાવાળી સરકાર સાંભળી હશે પણ અહીં તો હોસ્પિટલને જ ટેકા મારી હોસ્પિટલ ચલાવામાં આવી રહી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે. અગાઉ નવી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે, આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો.
દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે
ઘટના બાદ દોડતા થયેલા સુરતના સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે સમારકામ કરી સંતોષ માણી લીધો હતો. પરંતુ નવી સિવિલ હોસ્પિટલના આજ ડાયાલિસિસ વિભાગ પાછળના ભાગે આખે આખા સ્લેબ તૂટી પડેલા જ જોવા મળ્યા હતો. જે બતાવે છે કે, સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની ઈમારતમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે. જ્યાં નવી સિવિલ હોસ્પિટલનું પ્રશાસન જાણે મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે.