• રાજ્યની ટુરીઝમ અને સિનેમેટિક કોમ્યુનીટીને નવું બળ મળશે
  • ટુરીઝમ પ્રમોશન-ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ-ટ્રાન્‍સપોર્ટ જેવા સેક્ટરોમાં રોજગાર સર્જન થશે
  • ગુજરાત રાજ્ય ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે

ફિલ્મ જગતના સૌથી પ્રચલિત એવા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ગુજરાત સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2022માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-2024 નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સ એ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક છે. આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન રાજ્યમાં થવાથી મોટી સંખ્યામાં હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો ગુજરાત આવશે. મુલાકાતીઓનો આ પ્રવાહ રાજ્યમાં પ્રવાસન, હોટેલ બુકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને વેગ આપશે, અને લોકલ ઈકોનોમી ને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્‍ટ જનરેશન પણ થઈ શકશે.

તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્‍ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે.

રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ્સના આયોજનથી રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ કરી શકાશે. તેનાથી ગુજરાતને સંભવિત ફિલ્મી લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન મળશે. આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નોકરીની અસંખ્ય તકોનું સર્જન કરે છે. ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ 2024 નું આયોજન થતાં ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે. આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ગુજરાત કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળો ધરાવે છે, અને ફિલ્મફેર એવોર્ડ્સ આ સ્થળોને હાઇલાઇટ કરશે, જે દેશ-વિદેશનાં પ્રવાસીઓને ગુજરાતના પ્રવાસન સ્થળોને વધુ એક્સપ્લોર કરવા માટે પ્રોસ્તાહિત કરશે.

  • Follow us on: