- ગૃહ સચિવને જવાબ રજૂ કરવા HCએ નોટિસ આપી
- આવતીકાલે થઈ શકે છે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી
- મોટી દુર્ઘટના ઘટી, કલાકો વિત્યા છતાં પોલીસે ફરિયાદ કેમ ના લીધી?: HC
ગુજરાત હાઈકોર્ટે હરણી લેક દુર્ઘટના મુદે સુઓમોટો દાખલ કરી છે. જેમાં ગૃહ સચિવને જવાબ રજૂ કરવા HCએ નોટિસ આપી છે. તેમજ હવે ગુજરાત હાઈકોર્ટમાં સુનવણી થઈ શકે છે. તેમજ હાઈકોર્ટે જણાવ્યું હતુ કે મોટી દુર્ઘટના ઘટી, કલાકો વિત્યા છતાં પોલીસે ફરિયાદ કેમ ના લીધી?
ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે જવાબદાર લોકોની ધરપકડ શા માટે નહીં. ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં પણ PIL થઈ છે. 18 જાન્યુઆરીના રોજ હરણી લેક દુર્ઘટનામાં 12 ભુલકા અને 2 શિક્ષિકાના મોત થયા હતા. ત્યારે વડોદરા દુર્ઘટના મામલે હાઈકોર્ટે આજે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીનીની બેન્ચ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે આ મામલે 29 જાન્યુઆરીના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાનું ડૂબી જવાથી મોત
હરણી મોટનાથ તળાવમાં 12 બાળકોના મોત નીપજ્યા બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરણી મોટનાથ તળાવ લેકવ્યુને સીલ મારવામાં આવ્યું હતું અને સ્થળ પર કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી જાહેર નોટિસ લગાડવામાં આવી હતી.
દુર્ઘટના બાદ પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું
હોડી દુર્ઘટનામાં 14ના મોત થયા બાદ પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. મોડી રાત્રે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ દ્વારા કોઠીયા પ્રોજેક્ટના 18 ભાગીદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા કોર્પોરેશન દ્વારા લીક વ્યુ મુઠના તળાવને સીલ મારી દેવામાં આવ્યું હતું. તળાવના સ્થળે વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ જાહેર નોટીસ લગાવી પ્રવેશ બંધી કર્યાનું જણાવ્યું છે.
આ મિલકતને સીલ કરવા હુકમ કરવામાં આવે છે
દિલીપ રાણાએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, હરણી મોટનાથ તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, અને તા.18/01/2024 ના રોજ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેરમાં ફોજદારી ગુના અંગે ઈ.પી.કો. કલમ 304, 308, 337, 338, 114 મુજબનો ગુન્હો મેસર્સ કોટીયા પ્રોજેક્ટ તથા તેના ભાગીદારો, કર્મચારીઓ, માલીકો વિગેરે વિરુધ્ધ દાખલ થયેલ છે, તેમા 14 જેટલા માનવજીવોનું મરણ થયેલ છે. જેમાં 12 જેટલા બાળકો અને 2 પુખ્તવયના શિક્ષિકાઓ મરણ ગયેલ છે અને આ અંગેની તપાસ ચાલુ હોઈ બીજો હુકમ ન થાય ત્યાં સુધી મેસર્સ કોટીયા પ્રોજેક્ટના માણસોએ, કર્માચારીઓ, ભાડુઆતો તથા અન્ય કોઇપણ અનધિકૃત વ્યક્તીઓ, ત્રાહીત વ્યકતીઓએ મિલકતમાં પ્રવેશ કરવો નહી, અન્યથા ગેરકાયદેસર પ્રવેશ (ટ્રેસપાસીંગ) અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે આ મિલકતને સીલ કરવા હુકમ કરવામાં આવે છે.