ગાંધીનગર વિધાનસભામાં રાજકોટ હોસ્પિટલ CCTV કાંડનો મુદ્દો ગુહમાં ગુંજ્યો. વિધાનસભા સત્રમાં રાજકોટ હોસ્પિટલ CCTV કાંડને લઈને હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી,આરોપીને સજા આપશે. CCTV કાંડમાં સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુક કરાશે. દરમિયાન આરોગ્યમંત્રીએ હોસ્પિટલોમાં અંગત જગ્યાએ CCTV ન રાખવા સૂચન કર્યું.


રાજકોટ હોસ્પિટલ CCTV કાંડને લઈને આક્ષેપ

મહત્વનું છે કે ગાંધીનગર વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન આજે રાજકોટ હોસ્પિટલના CCTV કાંડ મુદ્દે હોબાળો જોવા મળ્યો.વિધાનસભામાં બજેટ સત્રમાં ચર્ચા કરતી વખતે નિયમ 116 મુજબ રાજકોટ હોસ્પિટલના CCTV કાંડ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં CCTV હેક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો. રાજ્યની હોસ્પિટલોમાં પ્રાઇવેસી જેવું કંઈ રહ્યું નથી. આરોગ્ય વિભાગની હોસ્પિટલોમાં CCTV રાખવા અંગેની ગાઈડ લાઈન છે કે કેમ ?

CCTV હેક થવા એક ગંભીર બાબત

હજારોની સંખ્યામાં CCTV હેક કરવામાં આવ્યા છે.ખૂબ ગંભીર બાબત છે કોઈની પ્રાઈવસી ન રહી હોય તેવી સ્થિતિ છે. મહીલા હોસ્પિટલ માં સીસીટીવી બાબતે ગાઈડલાઈન છે કે કેમ તે આરોગ્ય વિભાગ જણાવે. ૫૦ હજાર સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા તેવી વિગતો મળી છે. જો હોસ્પિટલના ટીવી હેક થઈ શકે તો વિધાનસભાના સીસીટીવી પણ હેક થઈ શકે છે.

નજીવી કિમંત થાય છે CCTV હેક

હોસ્પિટલના CCTV થવાનો કિસ્સો આંખ ઉઘાડનારો છે. સીસીટીવી હેક થાય છે અને ફક્ત ૫૦૦ રૂપિયાથી ૫૦ લાખમાં તેના પ્રતિબંધિત કન્ટેન્ટ પર વેચાણ થાય છે.કન્સલ્ટિંગ રૂમ માં સીસીટીવી ની મંજૂરી અપાય છે કે કેમ તે આરોગ્ય વિભાગ સ્પષ્ટ કરે. સરકાર નાગરીકો ને આશ્વસ્થ કરે કે આખરે સરકાર શું કામગીરી કરી રહી છે.

ગૃહમંત્રીએ આપ્યો સણસણતો જવાબ

રાજકોટ હોસ્પિટલ CCTV કાંડને લઈને આક્ષેપ વિધાનસભામાં ઉઠાવવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી. પરંતુ ગુજરાત પોલીસ કયારે પણ નિર્દોષને પકડી ફાઈલ ક્લોઝ કરવાનું કામ નથી કરતી. આપણી પોલીસે આ બાબતને ખુબ જ ગંભીરતાથી લઇને બારીકાઇથી તપાસ શરૂ કરી ત્યારે બહાર આવ્યુ કે, આ તો ખુબ મોટુ નેટવર્ક છે. ઈન્ટરનેટની મદદથી સુરક્ષા અને સર્વેલન્સના આ યુગમાં લાખો સી.સી.ટી.વી. લાગેલા હોય છે ત્યારે આ હેકર્સ દેશના હજારો કેમેરાઓ હેક કરીને એક દેશ વ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મુળ સુધી પહોંચીને મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

હોસ્પિટલના CCTV કાંડ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી, આરોપીને સજા આપીશું. મામલો સામે આવ્યા બાદ અનેક લોકોની ફરિયાદના પગલે કાર્યવાહી કરતાં સાયબર ક્રાઈમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી. આ કાંડમાં સામેલ 3 આરોપીઓને 48 કલાકમાં પકડીને ગુજરાત લવાયા.20 રાજ્યના 50 હજાર વીડિયો ચોરનારને ઝડપી પાડવામાં આવ્યા છે. સીસીટીવી હેક કરનાર આ આરોપીઓ યુરોપીયન દેશો એટલાન્ટા, રોમાનીયા, જ્યોર્જીયા અને જાપાન જેવા દેશોના VPN નો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતા હતા.

સાયબર ક્રિમિનલ આજના જમાનાના મોટો રાક્ષસ

વધુમાં તેમણે કહ્યું કે ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટુ નુક્શાન કરી શકે છે ત્યારે સીસીટીવી કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે વીક પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વિડીયો હેક કરવા આસાન કરી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા અસમાજિક તત્વો લાભ લેતા હોય છે. ગુજરાત પોલીસ દ્વારા આ બાબતે સતત અવેરનેસ ફેલાવવામાં આવતી હોય છે, પ્રજાના સૌ પ્રતિનિધિઓને પણ આ અવેરનેસ કાર્યમાં જોડાવવા મંત્રીએ અપીલ કરી હતી. 

મંત્રી હર્ષ સંઘવીએ ઘટનાક્રમની વિગતો આપતા કહ્યુ કે, તા.૧૭મી ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ સાંજે ટેલિગ્રામ ગ્રુપમાં કોઇ હોસ્પીટલ, રૂમના સ્ત્રી દર્દીના ઇંજેકશન અને એકઝામીનેશનને લગતા વિડીયો અપલોડ થયાની બાબત ધ્યાને આવતા મહિલાઓની સુરક્ષાની ગંભીરતા લઇને તાત્કાલિક અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સામેથી પોલીસે ફરીયાદી બનીને એફ આઇ આર દાખલ કરી હતી. તપાસમાં રાજકોટનો બનાવ હોવાની બાબત ધ્યાને આવતા ટીમ મોકલીને તાત્કાલીક એનાલીસીસ કરાવી લેવાયુ. 

ગુજરાત પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વક કરી તપાસ

પોલીસે કરેલી બારીક તપાસ અંગે મંત્રીએ માહિતા આપતાં જણાવ્યું કે, ગુજરાત પોલીસે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરીને પોતે એક ગ્રાહકની માફક ટેલિગ્રામ ગ્રુપના સભ્ય બનીને તે ગ્રુપમાં જોડાઈને એકત્ર કરેલી માહિતીને આધારે મુખ્ય સુત્રધારો સુધી પહોંચી પોલીસે મહારાષ્ટ્રના સાંગલી, લાતુર અને યુ.પીના પ્રયાગરાજ અલગ-અલગ ટીમો મોકલીને ૩ હજાર કિ.મી દૂરથી આરોપીઓને ૪૮ કલાકમાં દબોચી લીધા. એટલુ જ નહિ, સીસીટીવી લીકેજ કેસોમાં સૌ પ્રથમ વખત સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી ડે ટૂ ડે કેસ ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

બે મુખ્ય હેકર્સે આશરે ૫૦ હજાર કરતા વધારે સીસીટીવી છેલ્લા આઠ મહીનામાં હેક કર્યા છે, આ વિડીયોઝ ભારતના તમામ રાજ્યના હતા. જેમા કોર્પોરેટ ઓફીસ, સ્કુલ, કોલજ, મૂવી થીયેટર તથા ઘરના અંગત વિડીયોઝ આ લોકોએ હેક કર્યા છે. પોલીસે તમામ આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, ટેલીગ્રામ ચેનલ કે જેમા તમામ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે તેને પણ નોટીસ આપી છે. તમામ સોશ્યલ મીડીયા ચેનલને આવા વિડીયો ન મૂકવા અને મૂક્યા હોય તો દૂર કરવા નોટીસ આપી છે.

હોસ્પિટલમાં જે ભાગમાં CCTV લગાડેલા છે એ ખોટું છે. અને જે જગ્યાએ CCTV છે ત્યાં માત્ર મહિલાઓ કામ કરે છે. ડોક્ટરે કેમેરો તે જગ્યાએ કેમ ગોઠવ્યો તેની તપાસ થશે. આજના સમય ગુનેગારો કરતાં પણ વધુ ખતરનાક સાયબર પ્લેટફોર્મ છે. સાયબર ક્રિમિનલ આજના જમાનાના મોટો રાક્ષસ છે. આજના સમયમાં ટેકનોલોજી સુવિધાની સામે મોટું જોખમ પણ આપે છે. અંગત પાસવર્ડ હેક ના થાય તેને લઈને પણ સરકાર અનેક વખત ગ્રાહકોને ચેતવણી આપતી રહી છે. ગ્રાહકો પોતાના મહત્વના અને અંગત પાસવર્ડ બદલે તે પણ જરૂરી છે.

CCTVકાંડ મામલે હોબાળો

આજે બજેટ સત્રના ચોથા દિવસે કોંગ્રેસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ડોક્ટરનો પહેરવેશ પહેરી વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર કરી નિષ્પક્ષ તપાસની માંગ કરતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન બજેટ સત્રમાં રાજકોટ હોસ્પિટલના CCTV કાંડનો મુદ્દો પણ ગુંજ્યો.


  • Follow us on: