અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે હર્ષના સમાચાર છે. આ વિસ્તારમાંથી પસાર થતી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે. હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે. ત્યારે ચાલો જોઈએ, કેવી રીતે બદલાઈ રહ્યું છે આ બ્રિટિશકાળમાં નિર્માણ પામેલી કેનાલનું સ્વરૂપ.


1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવનિર્માણ આરંભ્યુ છે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર માળખાકીય સુવિધાઓમાં પરિવર્તન આવી રહ્યું છે અહીં બ્રિટિશ કાળમાં-1881માં બનેલી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે.અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરુ થઈ ચંડોળા તળાવ સુધી વિસ્તરેલી ખારીકટ કેનાલ જળ-પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી, જેથી સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાના ઉકેલરૂપે ગુજરાત સરકારે રૂ. 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવનિર્માણ આરંભ્યુ છે. કેનાલને છ લેનવાળા રસ્તામાં રૂપાતંરિત કરવામાં આવી રહી છે. જેના કારણે પ્રજાજનોમાં હર્ષની લાગણી છે.

અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે

ખારીકટ કેનાલના નવનિર્માણ અંતર્ગત 22 કિલોમીટરમાં પ્રિ-કાસ્ટ પેરાપેટ બોક્સ લગાવાશે. અને 40 બ્રિજને અપગ્રેડ કરાશે. આ ઉપરાંત નાગરિકોના આનંદ-પ્રમોદ માટે 40 સ્થળોએ ગ્રીન પેચનું નિર્માણ કરાશે.અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ બાદ ખારીકટ કેનાલ બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે શહેરને એક નવી ઓળખ આપશે. ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં 12 કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે. જેનું હાલ 80 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા તબક્કા માટે રૂ 1,003 કરોડને મંજૂરી આપી દીધી છે. 2027માં જ્યારે ખારીકટ કેનાલ પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે.

  • Follow us on: