- માઉન્ટ આબુમાં શિયાળાની અસર વધુ તીવ્ર
- ઠંડી વચ્ચે સહેલાણીઓ આબુમાં પહોંચ્યા
- નકી લેક, ગુરૂશિખર પર પ્રવાસીઓની ભીડ જામી
માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે. જેમાં માઉન્ટ આબુમાં શિયાળાની અસર વધુ તીવ્ર બની છે. તેમાં ઠંડી વચ્ચે સહેલાણીઓ આબુમાં ઉમટ્યા છે. આમ તો માઉન્ટ આબુ દરેક ગુજરાતીએ જોયું જ હશે. આ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ માઉન્ટ આબુની મુલાકાત લીધી છે. દિવાળીનું એક સપ્તાહ માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાઇ ગયું હતું.
નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ
માઉન્ટ આબુમાં નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ છે. પરંતુ ટ્રેવર્સ ટેન્ક જગ્યા એવી છે જેના વિશે ગુજરાતી પ્રવાસીઓ ઓછું જાણે છે. ટ્રેવર્સ ટેન્ક એક ક્રોકોડાઇલ પાર્ક છે. જે માઉન્ટ આબુ સ્ટેશનથી માત્ર 5 કિલોમીટર દૂર છે. ક્રોકોડાઇલ પાર્ક પ્રવાસીઓ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ સ્થળનું નામ એક બ્રિટિશ એન્જિનયરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટ્રેવર નામના એક બ્રિટિશ એન્જિનિયરે આ નેચરપાર્કનું બાંધકામ કર્યું છે. અહીં મગરનાં દર્શન કરવાની સાથે કુદરતી સુંદરતાનો લ્હાવો માણી શકાય છે. બ્રિટિશ એન્જિનિયરે આ ટેન્ક (તળાવ)ને મગરની પ્રજાતિઓ ઉત્પન્ન કરવા બનાવ્યું હતું. આ સ્થળ આબુ ફરવા જતાં પ્રવાસીઓ માટે એક સુંદર પિકનીક સ્પોટ બની શકે છે. આ સ્થળે રાતે પણ એક્ટિવિટી કરી શકાય છે. અહીં આપને બ્લેક બિયરના દર્શન પણ થઇ શકે છે. અહીં પક્ષીઓની પણ અનેક જાતો જોવા મળે છે.
ટ્રેવર્સ ટેન્ક વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં ભારતીય પ્રવાસીઓ માટે 55 રૂપિયા એન્ટ્રી ટિકિટ
ટ્રેવર્સ ટેન્ક વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં ભારતીય પ્રવાસીઓ માટે 55 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. વિદેશીઓ માટે રૂ.330 એન્ટ્રી ચાર્જ છે. ટુ વ્હીલર લઇને જાઓ તો 35 રૂપિયા જયારે કાર માટે 220 રૂપિયા ચૂકવવા પડશે. એક કારમાં ચાર વ્યક્તિ હોય તો વ્યક્તિ દિઠ આશરે રૂ.100ની આસપાસનો ખર્ચ થાય. ભારે વ્હીકલની મંજૂરી પાર્કમાં નથી. ક્રોકોડાઇલ પાર્ક જોવાનો સમય સવારે 9 થી સાંજે 5નો છે. અહીં જાઓ ત્યારે કેમેરા લઇ જવાનું ન ભૂલતા. આ સ્થળ ગુરુ શિખર જતા રસ્તામાં જ આવે છે જેથી ગુરુ શિખરથી પાછા ફરતા રસ્તામાં જોઇ લેવું વધારે સારુ રહેશે. મુખ્ય માર્ગથી લેક સુધી પહોંચવા માટે પોતાનું વાહન ખાસ કરીને કાર કે જીપ લઇ જવી સારી રહેશે કારણ કે રસ્તો જંગલમાં થઇને પસાર થાય છે. સાંજ પછી જંગલમાં ઉભા ન રહેતા. અહીં ધુમ્રપાન કરવાની મનાઇ છે.