• જાગૃત નાગરિકે DDOને ગેરરિતીની કરી ફરિયાદ
  • ગેરરિતી બહાર આવતા DDOએ સરપંચને સસ્પેન્ડ કર્યા
  • સરપંચને સસ્પેન્ડ કરતા અન્ય ગામના સરપંચોમાં ફફડાટ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયા ગામના સરપંચ થયા સસ્પેન્ડ.ટેન્ડર વિનાજ તળાવનું ખોદકામ કરાતા પરિયાના સરપંચને હોદ્દાથી દૂર કરાયા છે.એક જાગૃત નાગરિકે તળાવના કામમાં થયેલી ગેરરીતિની ફરિયાદ DDOને ફરિયાદ કરી હતી.જોકે બાદમાં DDO દ્વારા તપાસ કરાવતા તપાસમાં ગેરરીતિ બહાર આવતા વલસાડ DDOએ કાર્યવાહી કરી છે.

ડીડીઓએ ફરજ પરથી દૂર કર્યા

વલસાડના માજી સાંસદના ગામ પરીયાના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે. પરીયામાં આવેલા તળાવ ખોદકામ માટે કોઈ પણ ટેન્ડરીંગ પ્રક્રિયા ન કરી સરપંચે મનસ્વી રીતે વ્યક્તિને તળાવનું ખોદકામ માટે આપી 10 લાખ જેટલી ડિપોઝીટ પંચાયતમાં જમા કરાવી જેવી વિગતો બહાર આવતા હુકમ થયો હોવાની માહિતી મળી છે.

સરપંચે ના કર્યો ઠરાવ

જિલ્લા પંચાયત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 (1) હેઠળ સરપંચ ડીમ્પલબેનને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. પરીયાગામે રહેતા જાગૃત નાગરિક એવા રાજીવ શાંતિલાલ દેસાઈ દ્વારા ગામના સરપંચ ડીમ્પલબેન દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વી નિર્ણય લઈ ગેરરીતિ કરતા હોવાની ફરિયાદ કરી હતી જે બાબતે જિલ્લા પંચાયત કચેરી ખાતે અનેક સુનવણીની પ્રક્રિયા સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં સરપંચ ડિમ્પલબેન દ્વારા તળાવ ખોદકામની કામગીરી આપવા માટે કમિટીની રચના અંગે ઠરાવ કરવામાં આવ્યો ન હતો.

સમાચાર પત્રમાં જાહેરાત ના આપી

દશ લાખ જેટલી રકમ જમા કરાવી માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામનું કામ આપવા આવ્યું હતું. આ ઉપરાંત તળાવ ખોદકામ બાબતે સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી ન હતી અને કોઈ ટેન્ડરીંગ પ્રક્રિયા પણ કરાઇ ન હતી. જેથી સરપંચ દ્વારા તળાવનું કામ આપવામાં ઉપરવટ જઈ મનસ્વી નિર્ણય સાથે સત્તાનો દૂર ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા સરપંચ પદના હોદ્દા પરથી ડીમ્પલબેન અમિતભાઈને દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.


  • Follow us on: