• ઠેર ઠેર પાકને થયું મોટું નુકસાન

  • ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ
  • 14થી વધુ લોકોના મોતથી લોકો ગમગીન

ગુજરાતમાં આજે આગાહી પ્રમાણે આખો દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો હતો. જેના લીધે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કરા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના અલગ અલગ ભાગમાં વરસાદની તીવ્રતા અને સ્વરૂપ અલગ અલગ રહ્યા હતા. ક્યાંક કરાની સાથે સખત વરસાદ વરસ્યો હતો, તો ક્યાંક ગાજવીજ સાથે મેઘો મંડાયો હતો. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં રહી રહીને વરસાદ વરસ્યો હતો તો અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદે પગરણ માંડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 25થી 27 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને આજે આખો દિવસ રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદ લગભગ જનતાના દરેક વર્ગ માટે લાભદાયી ઓછું અને મુસીબત વાળો વધારે બન્યો હતો. જો કે આ વરસાદથી પ્રદૂષણની માત્રામાં ઘટાડો આવ્યો હતો અને વરસાદના લીધે એર ક્વોલિટીની ગુણવત્તામાં મામૂલી સુધારો શક્ય બનતો હોય છે. પરંતુ આ માવઠાએ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યમાં એરંડો, કપાસ, જીરું, તલ જેવા પાકનો સોથ વળી ગયો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખેતીમાં કામ કરી રહેલા લોકો પર વીજળી ત્રાટકી હતી. જેના પગલે કુલ 14થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.

આ માવઠામાં રાજ્યમાં અલગ અલગ રીતે જોઈએ તો આજે એક જ દિવસમાં કુલ 39 પશુઓના પણ મોત થયા હોવાની જાણકારી સામે આવી હતી. માહિતી પ્રમાણે અમદાવાદ, સાબરકાંઠા,સુરત, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વીજળી પડવાથી 1-1 માનવ મૃત્યુ નોંધાયા. રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા હતા અને સૌથી વધુ પશુ મૃત્યુ ખેડા જિલ્લામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. અહીં કુલ 15 પશુઓના મૃત્યુ નોંધાયા હોવાની જાણકારી સામે આવી છે. આ ઉપરાંત દાહોદમાં 3 અને ભરૂચમાં 2 વ્યક્તિઓના વીજળી પડવાથી મોત નિપજ્યા હોવાની જાણકારી પણ સામે આવી હતી. સુરેન્દ્રનગરના ચૂડામાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 

સુરતમાં શ્રમિક મહિલાઓ દાઝી

આજે ચાલુ વરસાદે ખેતીનું કામ કરતા લોકો પર રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી ખાબકી હતી. જેમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પહેલી ઘટના સુરતના બારડોલીથી સામે આવી છે. અહીં એક ખેતરમાં કામ કરી રહેલી શ્રમિક મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકી હતી. જેના લીધે 8 મહિલાઓ રીતે દાઝી ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાંથી 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. બાકીની અન્ય 4 મહિલાઓ હજુ પણ સારવાર હેઠળ છે, જેમાં 1ની હાલત ગંભીર છે. જે સુરત સિવિલમાં દાખલ છે.

ઈડરમાં મહિલાનું વીજળી પડતા મોત

બીજી ઘટના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગઢા (કાબસો)

ગામેથી સામે આવી છે. અહીં એક પરમાર કમળાબેન મગનભાઈ નામની 50 વર્ષીય મહિલા ખેતીકામ કરી રહી હતી, ત્યારે અચાનક જ તેના પર વીજળી ત્રાટકી હતી. આ ઘટનાને આજુબાજુના લોકોએ નિહાળી હતી, જેથી તેઓ પણ ભયભીત થઈ ગયા હતા. આ કિસ્સામાં મહિલાનું મોત નિપજ્યું હતું.

પાટણમાં 4 લોકો પર પડી વીજળી

ત્રીજી ઘટનામાં પાટણ જિલ્લાના સમીના હરીપુરા લાલપુરા ગામ ખાતે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. અહીં ખેતરમાં કામ કરતા 4 લોકો પર આસમાનમાંથી આફત આવી પહોંચી હતી. વીજળી પડતા આ 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેના પછી તેમને 108ની મદદથી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું કહેવાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતા યુવકનું મોત

આવી એક અન્ય ઘટના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકમાંથી સામે આવી હતી. અહીં માવઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ચુડા શહેરના ભાણેજડા ગામે પશુઓ ચરાવવા ગયેલા એક યુવાન પર વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં ચુડા તાલુકાના ભાણેજડા ગામે ખેતરમાં પશુ ચરાવતા યુવાન પર વિજળી ત્રાટકી હોવાની માહિતી સામે આવી હતી. કુલદીપભાઇ ભીખુભાઇ ભાંભળા નામના 20 વર્ષીય યુવાન પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના દરમિયાન ચારો ચરી રહેલી 3 જેટલી ભેંસો અને એક ગાયનું મોત નીપજ્યું હતું. આ ઘટના થી નાના એવા ભાણેજડા ગામે અરેરાટી વ્યાપી જવા પામી છે

  • Follow us on: