જસદણ વોર્ડ નંબર 3ના રામેશ્વર નગરમાં રહેતી મહિલાઓએ રસ્તા પર જસદણ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખની સમક્ષ માટલા ફોડીને જસદણ નગરપાલિકાના વહીવટી તંત્રના અધિકારીઓનો વિરોધ કર્યો હતો.


જસદણના રામેશ્વર નગરમાં રહેતી મહિલાઓ દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને અગાઉ અનેકવાર પાણી સ્ટ્રીટ લાઈટ અને સાફ સફાઈની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી પણ આ ઘોર નિંદ્રામાં સુતેલા વહીવટી તંત્રના અધિકારી સાંભળતા જ નથી. તેથી ના છૂટકે આજે મહિલાઓ માથે માટલા અને હાથમાં સૂત્રોચાર લખેલા બેનર રાખી નગરપાલિકા હાય હાય અમને પાણી આપો નહિતર રાજીનામાં આપો, લાઈટ આપો સુવિધાઓ આપો આવી માંગ સાથે જસદણ નગરપાલિકાએ ચીફ ઓફિસર ચેમ્બરમાં માટલા ફોડી વિરોધ કરવા નીકળી પડી હતી.

મહિલાઓએ રસ્તા પર માટલા ફોડીને કર્યો વિરોધ

રામેશ્વર નગર વિસ્તારની મહિલાઓ આજે જસદણ નગરપાલિકાએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડી વિરોધ કરવા જઈ રહી હતી. ત્યારે જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્ર છાયાણી અને પૂર્વ પ્રમુખ ભરત છાયાણી દ્વારા મહિલાઓને રસ્તા પર રોકી અને તાત્કાલિક સમસ્યાનો હલ કરી દેવાની ખાતરી આપી હતી. મહિલાઓએ રસ્તા પર જ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ની સામે જ માટલા ફોડી અને વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓની એક જ માંગ હતી વહીવટી તંત્રની બેદરકારીને લઈને ટાઈમે પાણી આવતું નથી બે ત્રણ દિવસે પાણી આવે છે અને તે પણ સાવ ડહોળુ પાણી આવે છે. સાફ-સફાઈ કરવાવાળા લોકો આવતા નથી. જે ડોર ટુ ડોર કચરો લેવા માટે ગાડીઓ આવતી હોય તે પણ નથી અને ટાઇમે લાઈટો પણ ચાલુ થતી નથી અમુક વિસ્તારોમાં લાઈટો છે પણ ચાલુ કરવામાં આવતી નથી. આવી ઘણી સમસ્યાઓ હતી કે તેમને પ્રમુખ સમક્ષ મૌખિક રજૂઆતમાં કરી હતી.

તંત્રની બેદરકારીથી પ્રજા પરેશાન

જસદણમાં પાણીની કોઈ સમસ્યા નથી પણ તંત્રની બેદરકારીને લઈને રામેશ્વર નગર વિસ્તારની પ્રજા પરેશાન થઈ રહી છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને આજે ફોન પર નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરત છાયાણી દ્વારા વિસ્તારની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. કુંવરજી બાવળીયા દ્વારા શનિવારે રામેશ્વર નગર વિસ્તારમાં સદસ્યોને સાથે રાખી અને મુલાકાત કરવામાં આવશે અને વિસ્તારના લોકોની તમામ ફરિયાદ સાંભળવામાં આવશે. સાથે જ તાત્કાલિક ફરિયાદનું નિવારણ કરવામાં આવશે. જસદણ નગરપાલિકામાં બેદરકારી દાખવનારા વહીવટ કરતા તંત્રના અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.


  • Follow us on: