અત્યાર સુધી અમે નેટહાઉસ પદ્ધતિથી ખીરા કાકડી અને મરચીનું વાવેતર કરતા હતા પરંતુ બાગાયત વિભાગના અધિકારીઓના માર્ગદર્શનથી અમે આ વર્ષથી ટામેટાંનું વાવેતર કર્યુ છે અને આ પ્રયોગથી અમને સફળતા મળી છે.આ શબ્દો છે બોટાદ જિલ્લાના બે ખેડૂતમિત્રોના કે જેમણે નેટહાઉસની મદદથી ખેતી ક્ષેત્રે નવીન અભિગમ અપનાવ્યો છે.


નેટહાઉસથી ટામેટાની ખેતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં કૃષિ અર્થતંત્રની દિશામાં અનેક નૂતન ક્ષીતિજો ખૂલી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાજ્યમાં કૃષિ સાથે જોડાયેલા બાગાયત અને પશુપાલન વ્યવસાયોમાં ઉત્તમ પરિણામો મળી રહ્યા છે. ત્યારે આજે વાત બોટાદ તાલુકાના શિરવાણિયા ગામના બે ખેડૂતોમિત્રોની સફળતાની હરેશભાઈ પટેલ અને અશોકભાઈ હાલ નેટહાઉસ પદ્ધતિથી ટામેટાંની ખેતી કરી રહ્યા છે, અશોકભાઈએ તેમના અનુભવ વિશે જણાવ્યું હતું કે, સરકાર તરફથી અમને નેટ હાઉસ બાંધવા 65 ટકા સબસિડી મળી હતી, અને બોટાદ જિલ્લા બાગાયત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓના સતત માર્ગદર્શનથી અમે આ વખતે નેટહાઉસ પદ્ધતિથી ખેતી કરી ટામેટાંનો બંપર પાક મેળવ્યો છે.

1 એકર જમીનમાં નેટ હાઉસ બાંધ્યું છે

એક વર્ષ અગાઉ જ નેટ હાઉસથી ખેતી કરવાનું શરૂ કર્યું હતું, સૌપ્રથમ નેટ હાઉસથી 2200 મણ કાકડીનું ઉત્પાદન મેળવ્યું હતું, જેમાંથી અમને ઘણો ફાયદો થયો હતો, કાકડીને અમે રાજકોટ અને અમદાવાદમાં 20થી 40 રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવે વેચી હતી. અને કુલ 10 લાખ 50 હજાર જેટલું વેચાણ કર્યું હતું. જે બાદ હવે પાક બદલવા માટે ટમેટાં વાવ્યાં છે. 16 નવેમ્બરના રોજ અમે ટામેટાંનું વાવેતર કર્યું હતું, અને ટામેટાંનો આ અમારો પહેલો પાક છે, આ ટામેટાંનો બજાર ભાવ 15 રૂપિયા કિલો સુધી મળી રહે છે. નેટ હાઉસથી ખેતી કરવાથી રોગ જીવાતો થતી નથી તેથી પાક પર જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ મર્યાદિત રહે છે. આગામી સમયમાં અમે નેટહાઉસમાં જ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા તરફ પ્રેરાયા છીએ. વળી નેટને કારણે જમીનનો ભેજ જળવાઈ રહે છે તેથી ઓછા પાણીથી પણ ખેતી થઈ શકે છે.

સરકારની સહાયના સથવારે નવી ખેત પદ્ધતિઓ અપનાવતા થયા છે

હરેશભાઈએ જણાવ્યું હતું કે, મેં શિક્ષણ નથી લીધું તેથી મને ખેતીની આ નવી રીતને સમજવા થોડી મુશ્કેલીઓ આવે છે પણ મારા મિત્ર અશોકભાઈ અને બાગાયત વિભાગના અધિકારીશ્રીઓના માર્ગદર્શનના કારણે હું પણ ખેતી ક્ષેત્રે ખૂબ સારૂં ઉત્પાદન મેળવી રહ્યો છું. નેટહાઉસમાં ખેતી થકી વાતાવરણ ઉપર નિયંત્રણ રાખી શકાતું હોવાથી વર્ષમાં ઘણીવાર પાક લઈ શકાય છે. ધરતીપુત્રોને સતત માળખાકીય સુવિધાઓ જેવી કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ, કોલ્ડ-સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, પેકહાઉસ ઉભા થવાથી અને આધુનીક બાગાયતી ખેતીની તાંત્રિક માહિતી તેમજ તાલીમો, પ્રવાસો, સાહિત્ય વિતરણ જેવી વિસ્તરણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. પરિણામે હરેશભાઈ અને અશોકભાઈ જેવા અનેક ખેડૂતો પોતાની સૂઝબૂઝ, મહેનત અને સરકારની સહાયના સથવારે નવી ખેત પદ્ધતિઓ અપનાવતા થયા છે.

  • Follow us on: