- દેશમાં લોકસભાની અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે
- ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કર્યું
- બિલમાં અધિનિયમમાં સુધારા કરવા અંગેનું સૂચન કરવામાં આવ્યું
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિધાનસભા ગૃહમાંથી વિપક્ષના વૉકઆઉટ વચ્ચે ગૃહમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યોની સહમતીથી ઓબીસી અનામત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું અને ઝવેરી કમિશનનો રીપોર્ટ પણ માગ્યો હતો. નવું ઓબીસી બિલ પસાર થતાની સાથે સમગ્ર વહીવટી વિભાગમાં એની સીધી અસર જોવા મળી શકે છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા અનામત લાગુ રહેશે. સમગ્ર ગુજરાતમાં 50 ટકાથી વધારે વસ્તી ઓબીસી સમાજની છે.
100થી વધારે જ્ઞાતિઓને લાભ મળી રહેશે
કુલ 33 જિલ્લા પંચાયતની જે અગાઉ 105 બેઠક હતી એ આ બિલ બાદ વધીને 206 સુધીની થઈ જશે. ગાંધીનગરમાં સમગ્ર ઓબીસી સમાજને સંબોધતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મોટો સમુદાય અહીં ભેગો થયો જે જોઈને વિપક્ષના નેતાઓના હાથ ગગડી જવાના. અત્યાર સુધી ઓબીસી સમાજને 10 ટકા અનામત મળતું હતું. જે હવે વધીને 27 ટકા કરી દેવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, એસસી-એસટી અનામતને અડ્યા વગર જ ઓબીસી સમુદાયને એક હક આપવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ ઓબીસી સમાજ અંતર્ગત આવતી કુલ 146 જેટલી જ્ઞાતિઓને મળી રહેશે. વર્ષ 1993માં ગુજરાત વિધાનસભામાં આ બિલ પહેલી વખત રજૂ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસે રિપોર્ટ માગ્યો
સરકારાન પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઝવેરી કમિશન સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બનાવવામાં આવ્યું હતું. રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિપક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઓબીસીના નામે રાજનીતિ કરી રહી છે. દેશમાં લોકસભાની અને આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ઓબીસી અનામતની ટકાવારી નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઝવેરી પંચની રચના કરવામાં આવી હતી. જેનો રીપોર્ટ કોંગ્રેસે વિધાનસભામાં માગ્યો હતો. આ બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા સુચવ્યાં છે.