- વરસાદી માવઠાથી ખેતીને અસર
- ઉભેલો પાક પલળી જતાં ખેડૂતો ચિંતાતુર
- પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કમોસમી માવઠું પડવાથી ખેડૂતોને કુદરતે મોટી થપાટ મારી હોય તેમ જણાઈ રહ્યું છે. પહેલા ખેડૂતોને ઓછા વરસાદથી ચોમાસું પાક નિષ્ફળ ગયો હતો જેથી ખેડૂતોને શિયાળુ રવિ પાક સારો થવાની આશાએ નુકસાન ભરપાઈ થવાની આશા હતી પણ આજે કુદરતે તેને પણ ઠગારી બનાવી દીધી હતી. માહિતી પ્રમાણે ખાંભા, ઇંગોરાળા, કાંટાળા, નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું પડવાથી ખેડૂતોને તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું અને ધાણા સહિતના પાકને નુકસાન પહોચ્યું હતું અને પશુઓનો ચારો પણ પલળી ગયો હતો. આમ આ વરસાદે જગતના તાતના માથે મુશ્કેલીના વાદળો ઉભા કરી દીધા છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડવાથી તલ અને સોયાબીનના પાકને મોટું નુકસાન પહોચ્યું હતું તેમજ શિયાળુ રવિ પાકને પણ ભારે નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ હતી. ઇંગોરાળા ગામના ખેડૂતો માથે અચાનક આફત આવી પડી હતી અને ખેડૂતોએ ચોમાસું તલનું વાવેતર કર્યું હતું અને તલનો પાક તૈયાર હતો ત્યારે અચાનક કમોસમી માવઠાથી તલનો પાક પલળી જતાં નાશ પામ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોનો પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારો પણ પલળી ગયો હતો, અને ખેડૂતોને હવે પોક મૂકીને રોવાનો વારો આવ્યો હતો.













