આણંદના સારસામાં રહેતા અને વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા પાર્થ સુથારે થોડા સમય પહેલા જ સાવલીના મોકસી ગામમાં રહેતા અને છાણીના કુંજ એન્કલેવમાં ઈન્ફિનિટી ઈન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતા મિત્ર વિશ્વજિત વાઘેલા સાથે મિત્રતા હતી અને થોડા દિવસ પહેલા જ પાર્થ સુથારે વિશ્વજિત પાસે કાર ભાડે લીધી હતી.
નાણાં પાર્થ આપતો ન હોવાથી આખરે ઉઘરાણી શરૂ કરી હતી
મિત્ર હોવાથી વિશ્વજિત વાઘેલાએ કોઈ પણ લખાણ વગર કાર ભાડે આપી હતી. જોકે નિયત સમયમાં કાર પરત ન મળતા વિશ્વજિતે પાર્થને કાર અંગે પૂછતાં પાર્થે જણાવ્યું કે કાર વેચી નાખી છે. જોકે વિશ્વજિતે આખરે કાર નહીં તો કારના નાણાં આપી દેવા કહ્યું હતું, જે નાણાં પાર્થ આપતો ન હોવાથી આખરે ઉઘરાણી શરૂ થઈ હતી. આખરે વિશ્વજિત વાઘેલાએ પાર્થ સુથાર પાસે કોઈ પણ ભોગે નાણાં કઢાવી લેવાનું નક્કી કર્યું અને 4 તારીખના રોજ સાંજે પાર્થને છાણી સ્થિત કુંજ એન્કલેવમાં આવેલા ઈન્ફિનિટી એન્ટરપ્રાઈઝની ઓફિસમાં મળવાના નામે બોલાવ્યો હતો. જ્યાં પૈસાની ઉઘરાણી કરતા તકરાર થઈ હતી.
સારસાના પાર્થ સુથારનું મિત્રોએ જ ઢીમ ઢાળી દીધું
જેમાં વિશ્વજિતે પહેલાથી જ બોલાવી રાખેલા સાગરીતોએ ભેગા થઈને પાર્થને ઢોર માર માર્યો અને ટોર્ચર કર્યો, જેમાં ત્યાં જ પાર્થ સુથારનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. ત્યારબાદ હત્યા તો થઈ ગઈ પણ બચવાનો પ્લાન વિશ્વજિતે બનાવ્યો અને મૃતદેહ લઈ મિત્રો સાથે એસ.એસ.જી હોસ્પિટલ પહોંચ્યો અને જાતે વર્દી લખાવી અને પાછુ પાર્થના પરિવારજનોને ફોન કરી જાણ પણ કરી. પાર્થને કોને માર્યો હશે તે વાતથી અજાણ પરિવારજનો આવ્યા અને મૃત હાલતમાં દીકરાને જોઈ લોકોના હોંશ ઉડી ગયા હતા.
પોલીસને ચકમો આપવાનો પ્લાન ઘડનાર વિશ્વજિત ઝડપાયો
જોકે પરિવારજનો આવતા હોસ્પિટલ ખાતે કોઈ મિત્રો નહતા. જેથી પોલીસને પાર્થ બેભાન હોવાના નામે ફોન કરનાર વિશ્વજિત પણ ત્યાં ન હોવાથી મિત્રો પર જ શંકા ગઈ અને પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ લોકેશનના આધારે વિશ્વજિતને ઝડપી પાડ્યો અને વિશ્વજિતે વટાણા વેરી દીધા હતા. હાલ પોલીસે વિશ્વજીત વાઘેલા, પ્રજ્ઞેશ રાણા અને રોનક ચૌહાણની ધરપકડ કરી છે અને જયદીપ સોલંકી સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.