- બાળકોને સારવાર હેઠળ એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ફતેગંજ વિસ્તારમાં કાર્યકરોએ ચા નાસ્તો રાખ્યો હતો
- શ્રમજીવીઓના બાળકોએ નાસ્તો કર્યા બાદ થયું ફૂડ પોઇઝનિંગ
એક તરફ ગુજરાતમાં મતદાનનો માહોલ જામી રહ્યો છે,એની વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે કે,જેમાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બાળકોને ફૂડપોઈઝનિંગ થયું છે.ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ દ્રારા પૌઆ આપવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો.આ ઘટનામાં 10 બાળકો અને 10 મોટા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે.આ તમામ 20 લોકો શ્રમજીવી છે.
9 એપ્રિલ 2024ના રોજ બાવળામાં પણ ફૂડ પોઈઝનિંગની ઘટના
અમદાવાદ જિલ્લાના બાવળાના ઝેકડા ગામે સાત બાળકોને વાસી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક 7 વર્ષની બાળકીનું મોત થયું છે. બીજી તરફ 2 વર્ષથી માંડીને 10 વર્ષની વયના 6 બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જે પૈકી ત્રણ બાળકોને ઝાડા ઉલટીની અસર વધારે વર્તાઈ રહી હતી. બાકી ત્રણ બાળકોને ઓછી માત્રામાં ડિહાઈડ્રેશન હતુ. બાવળાના ઝેકડામાં ઈટો પકવવાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાસી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા એ પછી રાતે તબિયત લથડી હતી. સવારે 7 વાગ્યા પછી બાળકોને એકાએક ઉલટીઓ થવા લાગી હતી.

20 એપ્રિલ 2024ના રોજ બની ફૂડપોઈઝનિંગની ઘટના
વેરાવળના માથાસુરિયા ગામે લગ્ન પ્રસંગના જમણવારમાં 250 જેટલા વ્યક્તિઓને ફૂડ પોઇઝનિંગ ની અસર થતા સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઇના જણાવ્યા મુજબ માથાસુરીયા આ ગામે મશરીભાઇ મીઠાભાઈ સોલંકી ની દીકરી ના લગ્ન પ્રસંગ હોય અને તાલાળા તાલુકાના લાડુડી ગામેથી જાન આવેલ હોય ગુરૂવારે સાંજના લગ્ન પ્રસંગના જમણવાર બાદ માંડવીયાઓ અને જાનૈયાઓને ઝાડા ઉલટી ની વ્યાપક ફરિયાદ ઉઠી હતી અને તમામ લોકોને સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી.ફૂડ પોઇઝનિંગના અસરગ્રસ્ત વ્યક્તિઓને કોડીદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાવવામાં આવી હતી.

ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ વધુ થાય છે
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.