વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં અત્યારે સામાન્ય જરૂરિયાત એવી પાણીની સમસ્યાને લઈને ઉહાપોહ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆત કરી. છતાં પણ સમસ્યાનું નિરાકરણ ના આવતા હવે વિદ્યાર્થીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની ચીમકી આપી.
વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં સામાન્ય પાણીની સમસ્યા
શહેરની MS યુનિવર્સિટી ફક્ત ગુજરાત નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રખ્યાત છે. MS યુનિવર્સિટી એ પ્લસ રેન્કિંગ ધરાવે છે. છતાં પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લગતી સામાન્ય જરૂરિયાત જેવા પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ. યુનિવર્સટીમાં છેલ્લા 3 મહિનાથી પાણીનું કૂલર બંધ હાલતમાં છે.જયારે પાણી માટે નળ તો આપ્યા છે પરંતુ આ નળમાં પાણી આવતું નથી.MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાણીના અભાવે ડિહાઈડ્રેશન જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણી સમસ્યા મુદ્દે રજૂઆત કરતાં સંચાલકો દ્વારા કહેવાતી કામગીરી કરવામાં આવી અને કોમર્સ ફેકલ્ટી બહાર પાણીના જગ મૂકવામાં આવ્યા. કોમર્સ ફેકલ્ટીમાં અંદાજે 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને પાણી ભરેલા જગ થોડા જ કલાકોમાં ખાલી થઈ જાય છે.
વિદ્યાર્થીઓની આંદોલનની ચીમકી
વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાણીને લઈને પરેશાન છે તે એ પ્લસ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટી માટે શરમજનક બાબત કહેવાય.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાના આપવાના દાવા ફકત કાગળ પર છે.કુલર બંધ અને નળમાંથી પાણી ગાયબ. કોમર્સ ફેકલ્ટી કે જ્યાં 10 હજાર જેટલા અભ્યાસ કરી રહ્યા છે ત્યાં ફકત પાણીના જગ મૂકીને કામ ચલાવવામાં આવે છે. વારંવાર વિદ્યાર્થીઓની રજૂઆત છતાં જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં ગણતરીના જગ આવતા જગ પણ કલાકો માં ખાલી થઈ જાય છે.જેથી વિદ્યાર્થીઓ ને ચાલુ અભ્યાસ માં પાણી ભરવા આવવું પડે છે.જેથી હવે પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ વિધાર્થીઓએ આંદોલન કરવાનો વારો આવ્યો છે.