છેલ્લા 2 દિવસથી રાજ્યભરના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે બીમારીએ માઝા મૂકી છે. ત્યારે વડોદરાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્ય છે અને શહેરમાં તાવ, ખાંસી, શરદીના દર્દીઓની SSG હોસ્પિટલમાં ભરમાર જોવા મળી રહી છે અને બિમારીના કેસો શહેરમાં વધ્યા છે.
શહેરમાં ઘરે ઘરે બીમારીના ખાટલા
તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે. ગરમી શરૂ થયા બાદ અચાનક વાતાવરણમાં ઠંડીનું વાતાવરણ જામતા ગરમીના તાપમાનનો પારો નીચે ગગળ્યો હતો. ડબલ ઋતુના અહેસાસ વચ્ચે શહેરમાં ઘરે ઘરે બીમારી જોવા મળી રહી છે. શહેરની ખાનગી કે સરકારી હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ, ટાઈફોઈડની સાથે મચ્છરોના ઉપદ્રવને કારણે મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
બે દિવસથી રોજની 1700 દર્દીઓની ઓપીડી નોંધાઈ
એસએસજી હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી રોજની 1700 દર્દીઓની ઓપીડી ચાલી રહી છે. એકાએક બદલાયેલા વાતાવરણમાં લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બને છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ કહી રહ્યા છે કે લોકોએ શક્ય હોય તેટલું ગરમ હૂંફાળું પાણી પીવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ અને ભીડભાડથી દૂર રહેવું જોઈએ. મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તો તેની સામે પણ યોગ્ય કાળજી લેવી જરૂરી છે.
શંકાસ્પદ ડેન્ગ્યુના 31 કેસ નોંધાયા
તમને જણાવી દઈએ કે 2 દિવસથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતા રોગચાળો વકર્યો છે અને વડોદરામાં 48 કલાકમાં તાવના 800 દર્દીઓ નોંધાયા છે. શંકાસ્પદ ડેન્ગ્યુના 31 કેસ નોંધાયા છે. ત્યારે શરદી, ખાંસી અને તાવ જેવા મેલેરિયાના લક્ષણો સહિતના 1500 દર્દીઓ નોંધાયા છે. શંકાસ્પદ ટાઈફોઈડના 50થી વધુ દર્દીઓ નોંધાયા છે.