- ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં થીમ બેઝ પાર્ટી યોજાશે
- સાંજે 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ઉજવણી ચાલશે
- પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય
અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે વિવિધ ફાર્મ હાઉસ પર અને પાર્ટી પ્લોટ પર તેમજ ક્લબમાં પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સવારના 8 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તો સીજી રોડ પર લોકો ઉજવણી કરવાના હોવાથી નવરંગપુરા સ્ટેડિયમથી પંચવટી સુધીનો માર્ગ સાંજે 6 વાગ્યાથી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
સીજી રોડ બંધ રહેશે
આ માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી માર્ગ વાહનો માટે બંધ રહેશે. આ ઉપરાંત આજ રાતે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી 3 વાગ્યા સુધી એસજી હાઈવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાહન પણ પાર્ક થઈ શકશે નહીં.
કાંકરિયા કાર્નિવલના કારણે રસ્તા બંધ
તેમજ કાંકરિયા કાર્નિવલ શરૂ હોવાના કારણે કાંકરિયા ચોકડી ત્રણ રસ્તા થઈ, રેલવે યાર્ડ થઇ, ખોખરાબ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઇ પુષ્પકુંજ સર્કલ થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઇ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ-વ્હીલરથી ઉપરના કોઈપણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઇ શકશે નહિ.
ટ્રાફિક અને પાર્કિંગ માટે પોલીસની તકેદારી
જ્યારે બીજી તરફ એસ.જી હાઈવે પર તેમજ સિંધુ ભવન રોડ પર ક્લબ તથા ફાર્મના વિસ્તારોમાં પોલીસ તહેનાત રહેશે. 31 ડિસેમ્બરે અમદાવાદ પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર રહેશે. શહેરમાં કોઈ બનાવ ના બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.

જેની સાથે જ પાર્કિંગ મામલે અમદાવાદમાં હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરના 5 અલગ અલગ પોઇન્ટ પર આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં નો પાર્કિગમાં પાર્ક કરેલાં વાહનો, રસ્તા પર ટ્રાફિકમાં અડચણ રૂપ પાર્ક કરેલાં વાહન તથા આડેધડ પાર્ક કરેલાં વાહનોને લોક મારવામાં આવે છે, અથવા ટોઈંગ કરવામાં આવે છે. જે બદલ પોલીસ દ્વારા દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. જેથી અમદાવાદીઓએ પોતાનાં વાહન જ્યાં ત્યાં પાર્ક કરતા ખાસ કાળજી રાખવી પડશે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર ખાસ નજર
જેની સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેક પોઇન્ટ બનાવીને બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરનારને પોલીસ કમિશનર દ્વારા 200 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકો સ્વાસ્થ્ય અંગે પણ એલર્ટ
જ્યાં એક તરફ 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ તમામ ક્લબ અને ફાર્મ હાઉસ પર પાર્ટીનું આયોજન કરનાર લોકોને પણ એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જેની સાથે જ પોલીસને પણ ઇમરજન્સીની સ્થિતિમાં એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ન અટકે તેની કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.