હવામાન વિભાગે આજે રાજયમાં હળવા વરસાદની આગાહી કરી છે, અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરી છે, તો માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે.


જાણો કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરપૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં વાદળો છવાશે

ઉત્તરપૂર્વ ભારત હેઠળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 7 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો આપણે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના હવામાન વિશે વાત કરીએ, તો કેરળ, કર્ણાટકમાં 31 મે થી 2 જૂન દરમિયાન ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણામાં 31 મે ના રોજ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની સાથે સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. પર્વતીય પ્રદેશો અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 31 મે થી 1 જૂન દરમિયાન ભારે વરસાદ પડશે.

70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, વરસાદ ખાબકશે

IMD એ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 31 મે થી 3 જૂન દરમિયાન યુપી અને રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદ અને ધૂળના તોફાનો આવશે. સાથે સાથે આ રાજ્યોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, વંટોળ ફૂંકાશે ધૂળની ડમરીઓ ઉડશે. પશ્ચિમ ભારતમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભારે વરસાદ પડશે. પૂર્વ અને મધ્ય ભારતમાં છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, બિહારમાં 31 મે થી 1 જૂન દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડશે અને સાથે જ 2-3 જૂને 50-60 કિમીથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


  • Follow us on: