- ગુજરાતમાં 18-19 વર્ષના 11,32,880 મતદારો
- રાજ્યમાં શતાયુ મતદારોની સંખ્યા 10,322 છે
- મશીનોની સંખ્યા BU- 87,042 અને VVPATની સંખ્યા 80,308
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. જેના માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી, ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે.
એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરીક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરીયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.
મતદાર યાદીઃ મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 05/01/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.
ઈવીએમ વ્યવસ્થાપનઃ ગુજરાત રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK EVM અને VVPAT ઉપલબ્ધ છે. જેમાં 87,042 BU, 71,682 CU અને 80,308 VVPAT નો સમાવેશ થાય છે. EVM-VVPAT મશીનોનું 1st Randomization માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. જેમાં વિધાનસભા મતવિસ્તાર મુજબ EVM-VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવશે. તેમજ 2nd Randomization હરીફ ઉમેદવારો તેમજ Observers ની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક પ્રમાણે કરવામાં આવશે.
મતદાન મથકો અને વિશિષ્ટ મતદાન મથકો
પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો ભોંયતળિયે આવેલા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ મતદાન મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સુખદ અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બુથની વ્યવસ્થા કરવા, મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ‘No Voter to be left behind’ ના સંકલ્પ સુત્રને ચરિતાર્થ કરતાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવે છે, જેનાથી તે વિસ્તારના મતદારોને મતદાનમાં સુગમતા રહે. જેમ કે, ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે 217 મતદારો માટે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મતદારોને મતદાન કરવા બસમાં 82 કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.
વરિષ્ઠ મતદારો માટે હોમ વોટીંગની વયમર્યાદા:
ગત વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80+ વર્ષની ઉંમરને બદલે 85+ વર્ષ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
ચૂંટણીલક્ષી કામગીરી માટે સ્ટાફઃ
લોકશાહીના મહાપર્વને સુપેરે પાર પાડનારા કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાના આધારસ્તંભ સમાન છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ-કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000 નો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં 55,800 થી વધુ પ્રિસાઈડિંગ ઑફિસર્સ, 1.67 લાખથી વધુ પોલીંગ ઑફિસર્સ, 6,300 થી વધુ સેક્ટર ઑફિસર અને 5,200 થી વધુ માઈક્રો ઑબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1 લાખ 20 હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે.