- માવઠાથી જીરૂં, ચણા, રાઇ સહિતના પાકને નુકસાન
- ખેતરોમાં મગફળીના પાથરા પલળતા નુકસાની
- પાકના નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. જેમાં માવઠાથી જીરૂં, ચણા, રાઇ સહિતના પાકને નુકસાન થયુ છે. ત્યારે ખેતરોમાં મગફળીના પાથરા પલળતા નુકસાની મોટી થશે. તેથી પાકના નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ છે.
ભારે ઝાપટા વરસતા ભરશિયાળે ચોમાસાનો માહોલ
હાલારના જામનગર, ધ્રોલ સહિત બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઝાપટા વરસતા ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. તો બીજી તરફ માવઠાથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમ્યાન ગઈકાલથી આકાશમાં વાદળો છવાયા છે અને ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગરમાં 5 મીમી, લાલપુરમાં 10 મીમી, કાલાવડમાં 9 મીમી, કલ્યાણપુરમાં 29 મીમી, ખંભાળિયામાં 14 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે ધ્રોલ તેમજ અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતાં. વરસાદના કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે. વાતાવરણ ઠંડુગાર બન્યું છે. આથી વાયરલ રોગચાળો વકરવાની શકયતા પણ વધી છે.
જામનગરના ખેડૂતોને આ બાબતે સ્પે. પેકેજ જાહેર કરે તેવી માંગ કરી
જામગનર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જીરૂ, ચણા, રાઇ, રાયડો, શાકભાજીના પાકને ભારે નુકશાન થયું છે. ઘઉંના પાકને આંશિક નુકસાનની શકયતા છે. તો બીજી તરફ જામનગર તાલુકાના ખેડૂતોને 25 વીઘા ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા નુકશાની થઈ છે અને શિયાળુ પાક જીરાને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. હાલ કૃષી મંત્રી જામનગરના જિલ્લાના હોવાથી જામનગરના ખેડૂતોને આ બાબતે સ્પે. પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે.