મહિલાઓના હકો, સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી ૮ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. રાજ્યમાં કૃષિ, પશુપાલન, બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી છે ત્યારે વર્ષ ૧૯૭૨માં સ્થપાયેલ સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે મહિલાઓના શક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.


મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કામ થઈ રહ્યું છે

કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે જણાવે છે કે, કૃષિ યુનિવર્સિટીઓ ખેતી અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને તાલીમ દ્વારા કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી છે ત્યારે કૃષિ, પશુપાલન, બાગાયત, ફૂડ પ્રોસેસિંગ અને રોજગાર ક્ષેત્રે મહિલાઓ આગળ આવે તે માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ તાલીમ વર્ગો ચલાવીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કામ થઈ રહ્યું છે.

તાલીમ અને પરામર્શ સેવાઓ પણ પૂરી પાડે છે

તેઓ જણાવે છે કે, યુનિવર્સિટી દ્વારા છેલ્લા ૧ વર્ષમાં રાજ્યની ૨,૬૭૨ મહિલાઓને ખેતી, કિચન ગાર્ડનિંગ, બેકરી, નર્સરી, આદર્શ પશુપાલન, આરોગ્ય, સ્વ રોજગાર, પોષણ સહિતના વિષયો પર તાલીમ આપવામાં આવી છે. યુનિવર્સિટી હેઠળ થરાદ અને ડીસા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાંતીવાડા ખાતે સરદાર સ્મૃતિ કેન્દ્ર અને હોમ સાયન્સ વિભાગ દ્વારા મહિલાઓના શક્તિકરણ માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ યુનિવર્સિટી ખાસ કરીને શૂષ્ક અને અર્ધશૂષ્ક પ્રદેશોના કૃષિ વિકાસ માટે કાર્ય કરે છે તથા ખેડૂતો માટે નવી ટેક્નોલોજી, તાલીમ અને પરામર્શ સેવાઓ પણ પૂરી પાડે છે.

મહિલાઓ પોતાની આજીવિકામાં વધારો કરી શકે તથા સમૃદ્ધ બની શકે

યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫ના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાની ૧૩૦ ખેડૂત મહિલાઓને દાંતીવાડા યુનિવર્સિટી ખાતે તાલીમ અપાઈ હતી. "પોષણ સશક્તિકરણ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ" થીમ આધારે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.એ.જી.પટેલ, મદદનીશ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી ડૉ.એમ.એ.તુંવર, સહ પ્રધ્યાપક ડૉ.પ્રીતિ દવે તથા ડૉ.લક્ષ્મીરાની દુબે દ્વારા મહિલાઓને સ્વ સહાય જૂથ, પોષણ, શિક્ષણ, મહિલાઓના હકો વગેરે વિષયો પર તાલીમ અપાઈ હતી. મહિલાઓએ યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધન કેન્દ્રોની પ્રત્યક્ષ મુલાકાત લઇને માર્ગદર્શન મેળવ્યું હતું. આમ, યુનિવર્સિટી દ્વારા રાજ્યની મહિલાઓને વિવિધ વિષય પર તાલીમ પ્રદાન કરીને મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે જેનાથી મહિલાઓ પોતાની આજીવિકામાં વધારો કરી શકે તથા સમૃદ્ધ બની શકે.

 

  • Follow us on: