છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી અને ધનતેરસ પર ભારતીય બજારોમાં ચાઈનીઝ ઉત્પાદનોની માગ સતત ઘટી રહી છે. ખાસ કરીને સજાવટની વસ્તુઓના વેચાણમાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓછી માગને કારણે આયાત પણ ઘટી રહી છે, જેના કારણે સ્થાનિક સામાનનું વેચાણ વધી રહ્યું છે.
દેશમાં 'વોકલ ફોર લોકલ' અભિયાનની અસર જોવા મળી
દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અભિયાનની અસર હવે દેખાઈ રહી છે. ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ સતત ઘટી રહ્યું છે. આ વર્ષે દિવાળી પર મોટાભાગના લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો 'મેડ ઈન ઈન્ડિયા' જોઈને જ ઈલેક્ટ્રોનિક્સ અને ડેકોરેશનની વસ્તુઓ ખરીદી રહ્યા છે.
ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ
એક અનુમાન મુજબ દિવાળી સંબંધિત ચીની વસ્તુઓના વેચાણમાં તીવ્ર ઘટાડો થવાને કારણે ચીનને લગભગ 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે ઘણા વર્ષોથી દિવાળી પર ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુંભારો પાસેથી માટીના દીવા અને સુશોભનની વસ્તુઓ ખરીદીને લોકો 'વોકલ ફોર લોકલ' અભિયાનને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે.
ઘરેલુ ઉત્પાદનોને પ્રાધાન્ય
CAITએ દેશભરની વ્યાપારી સંસ્થાઓને વિનંતી કરી છે કે તેઓ તેમના વિસ્તારની મહિલાઓ, કુંભારો, કારીગરો અને અન્ય લોકોનું વેચાણ વધારવામાં મદદ કરે જેઓ દિવાળી સંબંધિત સામાન બનાવતી હોય. આનાથી લોકોમાં જાગૃતિ વધી છે અને હવે તેઓ ઘરેલુ ઉત્પાદનોને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેના કારણે ચીનને લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
CAITના જનરલ સેક્રેટરીએ આપી માહિતી
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) જે વેપારીઓનું સંગઠન છે, તેણે વેપારીઓને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. CAITના જનરલ સેક્રેટરી અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આ દિવાળીએ 'વોકલ ફોર લોકલ'ની ફિલોસોફી બજારોમાં સંપૂર્ણ રીતે જોવા મળે છે કારણ કે લગભગ તમામ ખરીદી ભારતીય વસ્તુઓની થઈ રહી છે.
સોના-ચાંદીની ભારે ખરીદી
નોંધનીય છે કે, ભારતીય પરંપરામાં દિવાળી અને ધનતેરસ પર ઘણી ખરીદી કરવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને લોકો સોના-ચાંદીના આભૂષણો અને અન્ય વસ્તુઓ, તમામ પ્રકારના વાસણો, રસોડાનો સામાન, વાહનો, કપડાં અને રેડીમેડ ગારમેન્ટ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ સામાન અને સાધનો, વ્યવસાયિક સાધનો જેવા કે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સંબંધિત સાધનો, મોબાઈલ, ખાતાવહી અને ફર્નિચર ખરીદે છે.
એક દિવસમાં 20 હજાર કરોડ રૂપિયાનું સોનું વેચાયું
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર આ વર્ષે ધનતેરસ પર લગભગ 60 હજાર કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. જ્યારે દિવાળી સુધીમાં આ આંકડો 1 લાખ કરોડને પાર કરી જશે. આ સમયગાળા દરમિયાન સોના-ચાંદી ઉપરાંત પિત્તળના બનેલા વાસણોની ભારે ખરીદી થઈ છે. આ વખતે લગભગ 2500 કરોડ રૂપિયાની ચાંદીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે એક દિવસમાં 20 હજાર કરોડ રૂપિયાનું સોનું વેચાઈ ગયું છે.













