- સત્તામાં ફરી ભાજપની વાપસી
- મધ્ય પ્રદેશમાં મેળવી રેકોર્ડતોડ જીત
- કોંગ્રેસની હારના કારણો
આ ચૂંટણી પરિણામ મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમય સુધી યાદ રહેશે. આ પરિણામોએ વિચારવા મજબૂર કર્યું છે કે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં જીતના પગલે જોરદાર આત્મવિશ્વાસની દોડ લગાવી રહેલી કોંગ્રેસ પાર્ટીની આટલી કારમી હાર કેવી રીતે થઈ? કારણો ચોંકાવનારા છે.
હાલ ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી પરિણામો સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં જણાઈ રહ્યા છે. જેમ જેમ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે, તેમ ભાજપના કાર્યાલયોમાં ઢોલ વગાડવામાં આવી રહ્યા છે અને લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. સવાલ એ છે કે 2019માં બહુમતીના આંકડાની નજીક પહોંચેલી કોંગ્રેસને એવું શું થયું કે 2023ની ચૂંટણીમાં તે એકદમ હારના કિનારે આવીને ઊભી રહી ગઈ.
1. એન્ટિ ઈન્કમ્બન્સીની કોઈ ભૂમિકા નથી
ભાજપ માટે સત્તાવિરોધી લહેર જેવી કોઈ લહેર નહોતી. રાજકારણમાં આ એક રિસર્ચનો વિષય હોવો જોઈએ. કારણ કે 18 વર્ષ સુધી સત્તામાં લગાતાર રહેલી પાર્ટીને ચૂંટણીમાં જંગી જીત મળે છે અને તે પણ ત્યારે કે જ્યારે ભાજપે છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા ગુમાવી હતી પરંતુ મધ્યપ્રદેશમાં 15 મહિનાથી તે સત્તામાં હોવાથી અને એક જ સીએમ હોવા છતાં તેણે બંપર જીત મેળવી.
2. દિગ્વિજય અને કમલનાથે કોઈને આગળ ન આવવા દીધા
મધ્ય પ્રદેશની અંદર કોંગ્રેસ પક્ષ માત્ર 2 વયોવૃદ્ધ નેતાઓના ભરોસે જ હતો. તેની નેતાગીરીમાં કોઈને પણ કમલનાથ અને દિગ્વિજય સિંહથી મોટો નેતા બનવા દીધો નથી. માન્યું કે બંને નેતાઓ દિગ્ગજ છે પરંતુ હવે તેમની ઉંમર છે અને તેઓ પ્રદેશની રાજનીતિમાં એટલા બધા સક્રિય રહી શકતા નથી જેટલી ભાજપની નેતાગીરી રહી છે. મહત્વનું છે કે કમલનાથની ઉંમર 77 વર્ષ અને દિગ્વિજય સિંહની ઉંમર 76 વર્ષની છે.
3. યુવા નેતાઓનો કોઈ બેકઅપ નથી
કોઈ યુવા નેતાને મોટી જવાબદારી ન અપાઈ. જ્યોતિરાદિત્ય સિંધિયા જે કોંગ્રેસમાં એક પ્રભાવશાળી નેતા હતા. યુવાન હોવાને કારણે તેઓને પણ સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા. તેમને ભાજપમાં જોડાવાની ફરજ પડી હતી. કોંગ્રેસના યુવા નેતૃત્વ માટે મધ્યપ્રદેશ કોઈ પણ રીતે બેકઅપ બની શક્યું નથી. માત્ર વિક્રાંત ભૂરીયા જે યુથ કોંગ્રેસના પ્રમુખ છે, અને કાંતિલાલ ભૂરીયાના પુત્ર છે અને વ્યવસાયે એમબીબીએસ ડોકટર છે. તેમને કંઈક અંશે જવાબદારી અપાઈ હતી. જો કે તેમના પર પણ વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કાંતિલાલ ભૂરિયાની છાપ પણ છે.
4. કમલનાથનું જિદ્દી વલણ
રાજકીય વિશ્લેષકોની નજરમાં ચોથો પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે કમલનાથની રાજકીય નેતૃત્વ કરવાની ક્ષમતા. વિશ્લેષકોને લાગે છે કે કમલનાથમાં આવી કોઈ ક્ષમતા નથી, તેઓ રાજકારણી જેવા ઓછા અને મોટી કંપનીના મેનેજર જેવા વધુ દેખાય છે. રાજકીય મીટીંગોમાં તેઓ કોર્પોરેટ મીટીંગની જેમ વર્તે છે. કમલનાથ મિનિટના આધારે ધારાસભ્યોને મળવાનો સમય આપતા હતા અને ચાલો નીકળી જઈએ એમ કરીને વાતચીત પૂર્ણ કરતા. ત્યારે હવે જનતાએ તેમને જ ચાલો નીકળીએ કહીને બાય બાય કરી દીધું છે.
5. શિવરાજની સરળ છતાં મજબૂત ઈમેજ
કોંગ્રેસમાં કમલનાથનું વલણ સરમુખત્યારશાહી રહ્યું છે, બીજી તરફ ભાજપ આગળ આવ્યું કારણ કે એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કમલનાથથી વિપરીત જમીનથી જોડાયેલા નેતા છે, તેઓ લોકો અને ધારાસભ્યોનું સાંભળે છે અને વાતચીત પણ કરે છે. શિવરાજ સિંહ ચૌહાણની સરળ છબીએ કમલનાથની છબીને આગળ વધવા નહોતી દીધી.