- CM અરવિંદ કેજરીવાલની અરજી પર નિર્ણય અનામત
- HCએ ગુરુવાર સુધીમાં લેખિત દલીલો રજૂ કરવા સૂચન
- અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં
લિકર કેસ મામલે દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં લિકર કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં CM કેજરીવાલની ધરપકડ અને ED કસ્ટડીને પડકારતી અરજી પર દિલ્હી HCમાં સુનાવણી પૂર્ણ થઈ ગઇ છે. કેજરીવાલ તરફી એડવોકેટ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી અને ASG રાજુએ EDવતી દલીલો રજૂ કરી હતી. દિલ્હી હાઇકોર્ટે EDની કસ્ટડી અંગે ચુકાદો અનામત રાખ્યો છે.
લિકર કેસ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ
દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે CM અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ED કસ્ટડી વિરુદ્ધ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લંચ પહેલા એક કલાક અને લંચ પછી 2 કલાકની સતત ચર્ચા બાદ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને તેમને મુક્ત કરવાની માગણી કરી છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જે બાદ ASG એસવી રાજુએ ED વતી દલીલો રજૂ કરી હતી. મુખ્યમંત્રી હાલમાં 15 એપ્રિલ સુધી કસ્ટડીમાં છે.
કેજરીવાલના વકીલની શું હતી દલીલ?
કેજરીવાલના વકીલ સિંઘવીએ દલીલ કરતા કહ્યું હતું કે, લેવલ પ્લેઇંગને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ મહત્વપૂર્ણ કેસ છે. તેમાં મુક્ત અને નિષ્પક્ષ લોકસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે, જે લોકશાહીનો એક ભાગ છે. કેજરીવાલની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ED લોકતાંત્રિક પ્રવૃત્તિઓ પર વધુ ભાર મુકી શકશે નહીં. પ્રથમ મતદાન થાય તે પહેલા જ કેજરીવાલ અને તેમની પાર્ટીને અલગ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સિંઘવીએ કહ્યું કે, ધરપકડનો સમય દર્શાવે છે કે તે ગેરબંધારણીય છે. અન્ય કારણોસર ધરપકડની જરૂરિયાત ઊભી થઈ નથી. જો તમારી પાસે ધરપકડ કરવાની સત્તા હોય તો તમે ધરપકડ કરી શકો છો. અહીં કેજરીવાલની ધરપકડ માત્ર અપમાનિત કરવા માટે કરવામાં આવી હોવાનું કહ્યું હતું.