ભારતે આજે પાકિસ્તાન સામે સૌથી મોટી સર્જીકલ સ્ટ્રાઈક શરૂ કરી. ગઈકાલે રાત્રે 1.30 કલાકે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ ભારતમાં જોશનું વાતાવરણ છે. પરંતુ ભારત પાકિસ્તાનની સરહદ પર અત્યારે તંગદિલીનો માહોલ છે. ભારતના ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેના દ્વારા કામગીરી કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ સહિત દેશના તમામ રાજનેતાઓએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પૂરી થઈ ગઈ છે.


રાજનાથ સિંહ જશે સરહદ પર

દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સરહદ પર જઈને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા કહ્યું છે. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હવે સરહદ માટે રવાના થવાના છે અને થોડા સમય પછી તેઓ ભારત-પાકિસ્તાન સરહદ પર પહોંચશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. મહત્વનું છે કે 15 દિવસ પહેલા પહલગામમાં બૈસરન ઘાટીમાં પાકિસ્તાને ભાડે રાખેલા આતંકવાદીઓએ પ્રવાસીઓને ઠાર કર્યા હતા. જેમાં મોટાભાગના પુરુષો હતા. આતંકવાદીઓએ ભારતીય મહિલાઓના કપાળ પરથી સિંદૂર લૂછી નાખવામાં આવ્યું હતું, તેનો બદલો ભારતે લીધો અને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો.

પીએમ મોદીનો મોટો નિર્ણય

પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી બાદ ચાલી રહેલા તણાવ વચ્ચે, પીએમ મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દેશો - નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડનો પ્રવાસ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ 3 યુરોપિયન દેશોમાં ઘણી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો અને બેઠકોમાં ભાગ લેવાના હતા. અત્યાર સુધી પીએમ મોદીના વિદેશ પ્રવાસ રદ કરવાનું કારણ આપવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટેના મહત્વપૂર્ણ સમયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય સેનાની કાર્યવાહી

જણાવી દઈએ કે આજે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ, સરહદ પર બંને બાજુથી ભારે ગોળીબાર અને તોપમારો થઈ રહ્યો છે. ભારતે ગઈકાલે મોડી રાત્રે અને આજે બુધવારના રોજ વહેલી સવારે મુઝફ્ફરાબાદ, બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, કોટલી, બાગ, ગુલપુર, ભીમ્બર અને શકરગઢમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિને પગલે સરહદ પરના જમ્મુ કાશ્મીર રાજ્યમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવશે.

  • Follow us on: