- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના ફેક વીડિયોનો મામલો
- IFSO તપાસમાં થયો મોટો ખુલાસો
- તેલંગણામાં દિલ્હી પોલીસ સાયબર સેલની ટીમ દ્વારા તપાસ તેજ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે એડિટેડ વીડિયોનું આઇપી એડ્રેસ તેલંગણા નીકળ્યુ એટલે કે આ વીડિયો તેલંગણાના આઇપી એડ્રેસથી પોસ્ટ કરવાામાં આવ્યો હતો. એટલે ક તેલંગણાથી જ અમિતશાહનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું કહી શકાય. IFSO તપાસ એટલે કે ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સમાં મોટો ખુલાસો થયો છે.
તેલંગણામાં તપાસ તેજ
દિલ્હી પોલીસ સાયબર સેલની ટીમ તેલંગાણામાં તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેલંગાણા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, તેલંગાણા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 4 લોકોની દિલ્હી સાયબર સેલ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સાયબર સેલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પકડાયેલા ચાર લોકોને દિલ્હી લાવી શકે છે. જોકે, ધરપકડ કરાયેલા ચારેય લોકો તેલંગાણા કોંગ્રેસના નેતાઓ છે અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે.
દિલ્હી પોલીસે રાજકીય પક્ષના સભ્યોને પાઠવ્યા છે સમન્સ
ઉલ્લેખનીય છે કે અમિત શાહના ફેક વીડિયો કેસમાં અગાઉ પોલીસે રાજકીય પક્ષોના સભ્યોને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ કોઈપણ રાજકીય પક્ષનો કોઈ સભ્ય દિલ્હી પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ ઝારખંડ, ઉત્તર પ્રદેશના કેટલાક નેતાઓ અને ઉત્તર-પૂર્વના એક વ્યક્તિને બોલાવ્યા હતા. પરંતુ ગુરુવારે કોઈ પૂછપરછ માટે આવ્યું ન હતું. ત્યારે હવે આ મામલે દિલ્હી પોલીસ તેલંગાણા કોંગ્રેસના સભ્યોને બીજી નોટિસ આપી શકે છે તેમ માહિતી મળી રહી છે.
રેવન્ત રેડ્ડીના વકીલે જવાબ કર્યો હતો રજૂ
સીએમ રેવંત રેડ્ડીએ સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ તેમના દ્વારા હેન્ડલ કરવામાં આવતુ નથી. જવાબ દાખલ કરતી વખતે રેવન્ત રેડ્ડીના વકીલે કહ્યું કે સીએમ રેડ્ડી માત્ર બે ટ્વિટર એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સીએમઓ તેલંગાણા અને તેમના અંગત એકાઉન્ટનો સમાવેશ થાય છે. સાથે જ જણાવ્યું કે દિલ્હી પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્ન અપ્રાસંગિક છે. નકલી વિડિયો અપલોડ કરવા કે શેર કરવા માટે તેમણે કે તેમના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રેવન્ત રેડ્ડી તેલંગણાના સીએમ તો છે જ પરંતુ તેલંગણા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.
દિલ્હી પોલીસે દાખલ કરી છે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે અમિત શાહના એડિટેડ વીડિયો મામલે દિલ્હી પોલીસ એક્શનમાં આવી હતી. જે મામલે સીએમ રેવન્ત રેડ્ડીને 1 મેના રોજ તેમના મોબાઇલ ફોન સાથે દિલ્હી પોલીસના સાયબર યુનિટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. વકીલે જવાબ દાખલ કર્યો હતો. મહત્વનું છે કે સ્પેશિયલ સેલે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનામત મુદ્દાઓ અંગે અમિત શાહના ભાષણના નકલી વીડિયોના પરિભ્રમણના સંબંધમાં એફઆઈઆર નોંધી છે.