- લીકર સ્કેમ પોલિસીને લઇને અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી
- જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને રાહત નહી
- સુપ્રિમ કોર્ટે ઇડી પાસે માંગ્યો જવાબ
આ સિવાય કેજરીવાલે પોતાની ધરપકડ અને રિમાન્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આજે પણ આ મામલે સુનાવણી કરી હતી. જેમાં કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ પાઠવી છે. EDએ 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો રહેશે. આ સાથે કેજરીવાલે 27મી એપ્રિલ સુધીમાં EDના જવાબનો વળતો જવાબ આપવાનો છે. હવે આ કેસની આગામી સુનાવણી 29મી એપ્રિલે થશે. મહત્વનું છે કે 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં EDની કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.
HCએ ધરપકડ ગણાવી હતી યોગ્ય
મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે તેવો હાઈકોર્ટે 9 એપ્રિલે ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડ યોગ્ય ગણાવી હતી. આદેશ આપતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે આ જામીનનો મામલો નથી. કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટ કાયદા પ્રમાણે કામ કરે છે. આ પહેલા પણ રાજકારણીઓ સાથે જોડાયેલા મામલા સામે આવ્યા છે અને કોર્ટે કાયદા અને બંધારણ મુજબ કામ કર્યું છે.તેમ હાઇકોર્ટે જણાવતા કેજરીવાલે ED દ્વારા ધરપકડને પડકારવા આવતી અરજીને સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી.
બેરેક નંબર 2માં રખાયા છે કેજરીવાલ
EDએ કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. 22 માર્ચે તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. કોર્ટે તેને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યો હતો, જે બાદમાં 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો હતો. 1 એપ્રિલે કોર્ટે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. કેજરીવાલને બેરેક નંબર 2માં રાખવામાં આવ્યા છે.
કેજરીવાલ પર શું છે આરોપ ?
EDનો આરોપ છે કે કેજરીવાલે નફાના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગી હતી, વધુમાં, કેજરીવાલ પર AAP નેતાઓ, મંત્રીઓ અને અન્યો સાથે મળીને હવે રદ કરાયેલી નીતિમાં મુખ્ય કાવતરાખોર અને માસ્ટર માઇન્ડ હોવાનો આરોપ છે. કેજરીવાલે EDના આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા
કેજરીવાલનું શું છે કહેવુ ?
કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું કે તેમની ધરપકડ અવિશ્વસનીય દસ્તાવેજોના આધારે કરવામાં આવી છે. ED પાસે એવી કોઈ સામગ્રી નથી જેના આધારે તેમની ધરપકડ કરી શકાય. આ સાથે જ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની પ્રેરિત રીતે ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.