- જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું એલાન
- મહારાષ્ટ્રમાં પણ આવી રહી છે વિધાનસભાની ચૂંટણી
- જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન
હરિયાણા, મહારાષ્ટ્ર , જમ્મુ કાશ્મીર અને ઝારખંડ આ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જો કે મહારાષ્ટ્રની ચૂંટણી તારીખો જાહેર થાય તેવી આશા હતી પરંતુ હાલ મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ અંગે સવાલ કરાતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું શું છે કહેવુ, આવો જાણીએ.
બે રાજ્યોમાં જાહેર કરી છે ચૂંટણી
આ અંગે રાજીવ કુમારે જણાવ્યું કે પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી એક સાથે થઇ હતી. તે સમયે જમ્મુ કાશ્મીર હતુ નહી. જો કે આ વર્ષે 4 ચૂંટણી છે અને તેની પછી 5મી ચૂંટણી પણ કરવામાં આવશે. જે પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી છે તેમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડનો દિલ્હીનો સમાવેશ થાય છે. અમે 2 ચૂંટણી સાથે કરવાનો નિર્ણય લીધો છે જ્યારે જમ્મુ કાશ્મીરની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે બીજી ચૂંટણી જાહેર કરીએ તેવુ ન બની શકે.
મહારાષ્ટ્રમાં ક્યારે ચૂંટણી ?
મહારાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ગણેશોત્સવ, પિતૃપક્ષ, નવરાત્રિ , દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યુ કે સુરક્ષા દળની જરૂરિયાતના આધાર પર હાલ બે રાજ્યોમાં જ વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાનો નિર્ણય લીધો છે.
જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન
આ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. તેમણે કહ્યું કે આયોગને રાજ્યની જનતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ સંદર્ભે કડક સુરક્ષા વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. તેમણે કહ્યું કે આયોગે અમરનાથ યાત્રા સાથે સફરજનના ખેડૂતો અને વેપારીઓની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. CECએ કહ્યું કે લોકશાહીને સમર્પિત લોકો સાથે મળીને તમામ પડકારોનો સામનો કરશે.