NCP નેતા બાબા સિદ્દીકીને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ખેર નગરમાં તેમના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર જ ત્રણ લોકોએ ઘેરીને ગોળી મારી દીધી હતી. લોરેન્સ બિશ્નોઈ બાબા સિદ્દીકીના મૃત્યુને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. બાબા સિદ્દીકી મર્ડર કેસનો ભેદ ઉકેલવાના પ્રયાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. હવે આરોપી વિશે વધુ એક નવો ખુલાસો થયો છે. શૂટરો યુટ્યુબ પરથી ફાયરિંગ શીખ્યા હતા.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના નિવેદન નોંધ્યા
આરોપી ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપે આ ઘટનાને અંજામ આપતા પહેલા યુટ્યુબ પર વીડિયો જોઈને શૂટિંગ શીખ્યા હતા. હવે પોલીસ તે જગ્યા શોધવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં તેઓ ફાયરિંગની પ્રેક્ટિસ કરતા હતા. બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. NCP નેતાની હત્યાના કેસમાં આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ હત્યા માટે પૈસા અને હથિયારો આપ્યા હતા. કોર્ટે બહરાઈચના હરીશકુમાર બલક્રમ નિષાદને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપી પ્રવીણ અને શુભમ લોંકરે ધરપકડ કરાયેલા શૂટર્સ ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપને 2 લાખ રૂપિયા આપ્યા હતા. આ પછી ચોથા આરોપી હરીશ મારફતે પૈસા મોકલવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આ ખુલાસો થયો છે.
શુભમ લોંકરને પણ બિશ્નોઈ ગેંગની સંડોવણીની શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો
એપ્રિલમાં મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે આ વર્ષે જૂનમાં શુભમ લોંકરને પણ બિશ્નોઈ ગેંગની સંડોવણીની શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો. પરંતુ કોઈ પુરાવા ન મળતા તેને છોડી મુકવામાં આવ્યો હતો. તેમ છતાં તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. પરંતુ 24 સપ્ટેમ્બરે તેનો પત્તો લાગ્યો ન હતો. ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળ નજીકથી મળેલી કાળી થેલીમાંથી 7.62 એમએમની બંદૂક મળી આવી છે.
એનસીપી નેતા બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે હત્યા થઇ હતી
આ મામલે મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, એનસીપી નેતા બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ લોકોએ ઘેરીને ગોળી મારી દીધી હતી. બાબા સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.