દેશમાં આઈટી સિટીના નામથી જાણીતા બેંગ્લુરૂમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાના એક ફાઈટર પાયલટ સાથે અહીં મારપીટ કરાઈ છે. પાયલટના પત્ની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફાઈટલ પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયાં છે. તેમને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. કેટલાક બાઈક સવાર લોકોએ ફાયટર પાઈલટ પર પાછળથી હૂમલો કર્યો હતો. ચાવીઓના ગુચ્છાથી તેમના ચહેરા પર વાર કર્યો હતો. પીડિત પાઈલટે આ ઘટનાનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
કેટલાક લોકોએ તેમની ગાડીને પીછો કરીને રોકી લીધી
વાયુસેનાના પાઈલોટે શેર કરેલો વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ તાત્કાલિક આરોપીઓને પકડવા માટે સક્રિય થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના રોડ રેજની છે. પીડિત ફાઈટર પાઈલટ વિંગ કમાન્ડર આદિત્ય બોઝે કહ્યું હતું કે, રવિવારે સાંજે તેઓ પત્ની સ્કવોડ્રન લીડર મધુમિતા સીવી રમન સાથે એરપોર્ટ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની ગાડીને પીછો કરીને રોકી લીધી હતી. તેઓ કંઈ સમજે તે પહેલા જ આરોપીઓએ તેમની પર હૂમલો કરી દીધો હતો.
પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
પીડિત ફાઈટર પાઈલટે કહ્યું હતું કે, એક બાઈક સવારે તેમની ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને કન્નડ ભાષામાં ગાળો બોલતા હતાં. ગાડીને ઓવરટેક કરીને રોકી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની ગાડી પર ડીઆરડીઓનું સ્ટીકર લાગેલુ છે. તેને જોઈને આ લોકો ઉગ્ર થઈ ગયા હતા અને ગાળો બોલવા માંડ્યા હતાં. આ આરોપીઓએ પાઈલટની પત્ની સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમણે આરોપીઓનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો તો આરોપીઓએ તેમના માથા અને ચહેરા પર ચાવીઓના ગુચ્છાથી હૂમલો કર્યો હતો. આ દરમિયાન લોકોનુ ટોળુ ભેગુ થઈ ગયું હતું. કોઈએ પણ બચાવવા માટેની કોશિષ નહોતી કરી. આરોપીઓ પથ્થર ફેંકીને ફરાર થઈ ગયા હતાં. બેંગ્લુરૂ પોલીસે આરોપીઓ સામે કેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.