નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં 4 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેની તપાસને વેગ આપતા NIAએ સોમવારે આ કાર્યવાહી કરી હતી. આરોપીઓની ઓળખ મુસાવીર હુસૈન શાજીબ, અબ્દુલ મતીન અહેમદ તાહા, માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફ તરીકે કરવામાં આવી છે.


જ્યુડિશિયલ કસ્ટડીમાં ચારેય આરોપીઓ

NIAએ આ ચારેય આરોપીઓ સામે IPC, UA(P) એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને PDLP એક્ટની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. ચારેયની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ વર્ષે 1 માર્ચના રોજ ITPL બેંગલુરુના બ્રુકફિલ્ડના રામેશ્વરમ કાફેમાં IED બ્લાસ્ટમાં નવ લોકો ઘાયલ થયા હતા. તેમજ હોટલની મિલકતને ભારે નુકસાન થયું હતું. NIAએ 3 માર્ચે કેસની તપાસ શરૂ કરી હતી. ત્યારપછી NIA એ વિવિધ રાજ્ય પોલીસ દળો અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને ઘણી તકનીકી અને ક્ષેત્રીય તપાસ હાથ ધરી હતી.

શાજીબે બનાવ્યો હતો બોમ્બ

NIAની તપાસમાં સામે આવ્યું છે કે, શાજીબ એ જ વ્યક્તિ છે જેણે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. સાજીબ અને અબ્દુલ મથીન અહેમદ તાહા 2020માં અલ-હિન્દ મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી પહેલેથી જ ફરાર થઈ ગયા હતા. NIA દ્વારા હાથ ધરવામાં આવેલા મોટાપાયે સર્ચ બાદ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના 42 દિવસ પછી પશ્ચિમ બંગાળમાં તેના ઠેકાણામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

બન્ને આરોપીઓ ISISના કટ્ટરપંથી હતા

કર્ણાટકના શિવમોગા જિલ્લાના રહેવાસી આ બન્ને આરોપીઓ ISISના કટ્ટરપંથી હતા. આ બન્નેએ અગાઉ સીરિયામાં ISIS વિસ્તારોમાં હિજરાહ (ધાર્મિક યાત્રા) કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ અન્ય નિષ્કપટ મુસ્લિમ યુવાનોને ISISની વિચારધારામાં કટ્ટરપંથી બનાવવા માટે સક્રિયપણે સામેલ હતા. આવા યુવાનોમાં માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફ હતા.

તાહા અને શાજીબે સિમ કાર્ડ અને બેન્ક ખાતાનો ઉપયોગ કર્યો હતો

તાહા અને શાજીબે છેતરપિંડીથી મેળવેલા ભારતીય સિમ કાર્ડ અને ભારતીય બેન્ક ખાતાનો ઉપયોગ કર્યો હતો. ડાર્ક વેબ પરથી ડાઉનલોડ કરાયેલા વિવિધ ભારતીય અને બાંગ્લાદેશી ઓળખ દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં વધુ જાણવા મળ્યું કે તાહાનો પરિચય પૂર્વ ગુનેગાર શોએબ અહેમદ મિર્ઝા દ્વારા મોહમ્મદ શહીદ ફૈઝલ સાથે થયો હતો. જે લશ્કર-એ-તૈયબા બેંગલુરુ કાવતરાના કેસમાં ફરાર છે.

ISIS મોડ્યુલનું જોડાણ

ત્યારબાદ તાહાએ તેના હેન્ડલર ફૈઝલનો પરિચય અલ-હિન્દ ISIS મોડ્યુલ કેસના આરોપી મહેબૂબ પાશા અને ISIS દક્ષિણ ભારતના અમીર ખાજા મોહિદ્દીન અને બાદમાં માઝ મુનીર અહેમદ સાથે કરાવ્યો. તાહા અને શાજીબને તેમના હેન્ડલર દ્વારા ક્રિપ્ટો કરન્સી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

બેંગલુરુમાં પણ BJP ઓફિસ પર હુમલાનું ષડયંત્ર

તપાસમાં વધુ જાણવા મળ્યું કે, આરોપીઓએ આ ફંડનો ઉપયોગ બેંગલુરુમાં વિવિધ પ્રકારની હિંસા કરવા માટે કર્યો હતો. આમાં 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે બેંગલુરુના મલ્લેશ્વરમમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં IED બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે નિષ્ફળ ગયો હતો. આ પછી બન્ને મુખ્ય આરોપીઓએ રામેશ્વરમ કેફે બ્લાસ્ટની યોજના બનાવી હતી. આ મામલાની તપાસ હજુ ચાલુ છે.

  • Follow us on: