બેંગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ગઈકાલે મચેલી ભાગદોડની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે, આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પણ મળી છે. ત્યારે આ મામલે મુખ્યપ્રધાન સિદ્ઘારમૈયાએ એક્શન લેતા પોલીસ કમિશનર સહિત અન્ય ઘણા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમના પદ પરથી હટાવી દીધા
મુખ્યપ્રધાને જણાવ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને ન્યાયાધીશ માઈકલ કુન્નાહના નેતૃત્વમાં એક વ્યક્તિનું તપાસ પંચ બનાવવામાં આવ્યું છે, જે સમગ્ર કેસની તપાસ ઉંડાણપૂર્વક કરશે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના મામલે FIR પણ દાખલ કરવામાં આવી છે. હાલમાં તો સરકારે તાત્કાલિક અસરથી એક્શન લેતા ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમના પદ પરથી હટાવી દીધા છે, તેમાં એસીપી કબ્બન પાર્ક, ડીસીપી સેન્ટ્રલ ઝોન, એડિશનલ કમિશનર વેસ્ટ ઝોન, બેંગ્લુરૂ સિટી પોલીસ કમિશનર, સ્ટેશન હાઉસ માસ્ટર સામેલ છે. આ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસે સુરક્ષાના કારણોસર આ ઈવેન્ટને કરવાની ના પાડી હતી
તમને જણાવી દઈએ કે પોલીસે સુરક્ષાના કારણોસર આ ઈવેન્ટને કરવાની ના પાડી હતી, સાથે જ RCBએ 4 જૂને ઈવેન્ટ કરવાની ના પાડી હતી, તેમ છતાં પોલીસ સામે એક્શન લેવામાં આવ્યું અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે RCBની ટીમ તરફથી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને મૃતકોના પરિવારને 11-11 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે.