આરજેડી પ્રમુખ લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. એટલું જ નહીં લાલુએ તેજ પ્રતાપને પરિવારમાંથી પણ કાઢી મૂક્યા છે. આરજેડી વડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ માહિતી આપી છે, જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે હવે તેજ પ્રતાપનો પરિવાર અને પાર્ટીમાં કોઈ રોલ નથી.
તે પોતે સક્ષમ છે- લાલુ યાદવ
તેમણે પોસ્ટ કરતા જણાવ્યું કે તે પોતે પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા સક્ષમ છે. તેનાથી જે પણ લોકો સંબંધ રાખશે તેઓ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવા જોઈએ. હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો સમર્થક રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ જાહેર જીવનમાં આ વિચાર અપનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે.
લાલુ યાદવે વધુમાં કહ્યું કે પર્સનલ જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારથી દૂર રાખું છું. હવેથી તેમની પાર્ટી અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
તેજ પ્રતાપે ગર્લફ્રેન્ડ વિશે કરી હતી પોસ્ટ
ઉલ્લેખનીય છે કે પુત્ર તેજ પ્રતાપે ગઇકાલે એક પોસ્ટ શેર કરીને ગર્લફ્રેન્ડનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેજ પ્રતાપે લખ્યુ કે હું ઘણા સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો પણ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું. તો આજે આ પોસ્ટ દ્વારા હું મારા હૃદયની લાગણીઓ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું! મને આશા છે કે તમે બધા મારી વાત સમજી શકશો.
પછીથી પોસ્ટ કરી ડિલીટ
જોકે પછીથી એવુ સામે આવ્યું હતું કે તેજ પ્રતાપે પોતાની પોસ્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે મારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેક કરવામાં આવ્યું છે અને મારા ફોટા ખોટી રીતે એડિટ કરવામાં આવ્યા છે જેથી મને અને મારા પરિવારના સભ્યોને હેરાન અને બદનામ કરી શકાય. હું મારા શુભેચ્છકો અને અનુયાયીઓને સાવચેત રહેવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરું છું.