ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જો કે, ચૂંટણી પંચે હજુ પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટી આમને-સામને જોવા મળી રહી છે. બન્ને પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પેટાચૂંટણીને લઈને રવિવારે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.


ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં રહ્યા હાજર

આ મીટિંગમાં જેપી નડ્ડા ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, યુપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બન્ને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ હાજર હતા. હાલમાં જ યોગી આદિત્યનાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

પેટાચૂંટણી અંગે ચર્ચા

ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ઉત્તરપ્રદેશ કોર ગ્રૂપ સાથેની બેઠકમાં મુખ્યત્વે પેટાચૂંટણી પર ચર્ચા થઈ હતી. બેઠકમાં તમામ 10 પેટાચૂંટણી બેઠકો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બિજનૌર લોકસભાની મીરાપુર સીટ આરએલડીને આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી. મિર્ઝાપુર લોકસભા સીટની મંઝવાં સીટ નિષાદ પાર્ટીને આપી શકે છે. પરંતુ ભાજપ નેતૃત્વ નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ સાથે મંઝવાં બેઠક અંગે ચર્ચાનો રાઉન્ડ કરશે.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ યુપીમાં લોકસભા ચૂંટણીમાં થયેલા નુકસાનની ભરપાઈ પેટાચૂંટણીમાં 10 બેઠકો જીતીને કરવા માંગે છે. ઉત્તરપ્રદેશમાં કરહાલ, મિલ્કીપુર, કટેહરી, કુંદરકી, ગાઝિયાબાદ, ખેર, મીરાપુર, ફુલપુર, મંઝવાં અને સિસમાઉ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને 5, આરએલડી-નિષાદ પાર્ટીને એક-એક બેઠક જ્યારે ભાજપ પાસે ત્રણ બેઠકો છે.

હરિયાણા માટે ભાજપે નિરીક્ષકોની કરી નિમણૂક

ભાજપ સંસદીય બોર્ડે રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણામાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વખત જીત મેળવી છે. 90 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે.

  • Follow us on: