- મોદી સરકારના 71 મંત્રીઓએ લીધા શપથ
- જે.પી નડ્ડાએ લીધા મંત્રી પદના શપથ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે કોણ ?
PM મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત દેશમાં એનડીએની સરકાર બની છે. બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇને મંત્રી મંડળમાં સામેલ થયા છે. ત્યારે હવે બીજેપીના અધ્યક્ષ કોણ હશે તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. પાર્ટી કોને સોંપશે બીજેપીની કમાન, કોણ હતી પાર્ટીનો ચહેરો તેને લઇને અનેક નામો પર અટકળો ચાલી રહી છે.
ચૂંટણીને લીધે નડ્ડાનો લંબાવ્યો હતો કાર્યકાળ
રાજનાથ સિંહ 2014માં ભાજપના અધ્યક્ષ હતા અને લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેઓ કેન્દ્રમાં મંત્રી બન્યા હતા. આ પછી ભાજપ સંગઠનમાં પરિવર્તન આવ્યું અને અમિત શાહને પાર્ટીની કમાન સોંપવામાં આવી. 2019માં જ્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા ત્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જીત બાદ અમિત શાહ મોદી કેબિનેટનો હિસ્સો બન્યા હતા. જેના કારણે તેમણે બીજેપી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું. અમિત શાહ બાદ જેપી નડ્ડાએ ભાજપની કમાન સંભાળી હતી. ભાજપ અધ્યક્ષ તરીકે નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂર્ણ થયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.
કોણ બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ?
જેપી નડ્ડાના અધ્યક્ષ સ્થાને 2024ની લોકસભાની ચૂંટણી થઇ છે. ચૂંટણી પરિણામો બાદ અમિત શાહની જેમ જે.પી નડ્ડા મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા છે. આવી સ્થિતિમાં જેપી નડ્ડાના સ્થાને ભાજપ અધ્યક્ષ કોણ હશે તેની અટકળોએ જોર પકડ્યું છે. મોદી કેબિનેટમાં નડ્ડાના સંભવિત ઉત્તરાધિકારી ગણાતા સીઆર પાટીલ, શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂપેન્દ્ર યાદવનો પણ કેબિનેટમાં સમાવેશ કરવાથી અટકળોએ વધુ વેગ પકડ્યો .
સવર્ણ નેતાઓના હાથમાં રહી છે બીજેપીની કમાન
છેલ્લા 15 વર્ષની વાત કરીએ તો બીજેપીની કામ સવર્ણ નેતાઓના હાથમાં રહી છે. રાજનાથ સિંહ ઠાકુર સમુદાયમાંથી આવે છે જ્યારે જે.પી નડ્ડા બ્રાહ્મણ. ત્યારે હવે કોઇ સવર્ણ નેતા જ અધ્યક્ષ બને તેવી સંભાવના જણાઇ રહી છે. સવર્ણ સમુદાય ભાજપની મુખ્ય વોટ બેંક છે. એવું માનવામાં આવે છે કે ભાજપ અધ્યક્ષ માટે એવા ચહેરાની શોધ કરવામાં આવી રહી છે જે મોદી-શાહની નજીક હોવા ઉપરાંત પાર્ટી સંગઠનને પણ સારી રીતે સમજે. ભાજપે યુપીમાં 28, હરિયાણામાં પાંચ, બિહારમાં 9 અને મહારાષ્ટ્રમાં 14 બેઠકો ગુમાવી છે. આ તમામ રાજ્યોમાં અવ્યવસ્થિત રાજકીય સમીકરણોને કારણે ભાજપને નુકસાન થયું છે. ત્યારે હવે આ રાજ્યોમાં વધુ સારુ પ્રદર્શન કરવુ પડશે. જેથી પાર્ટી એવા નેતાને કમાન સોંપવા માંગે છે કે જેઓ વર્ષ 2014 જેવી રાજકીય સ્થિતિ ફરીથી મેળવી શકે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાર્ટી કોને ભાજપ અધ્યક્ષ બનાવશે ?