• BRS નેતા કે.કવિતાની તબિયત લથડી
  • તિહાડ જેલમાં બગડી તબિયત
  • DDU હોસ્પિટલ લઇ જવાયા

દિલ્હીના બહુ ચર્ચિત લીકર પોલિસી સ્કેમ મામલે જેલમાં બંધ બીઆરએસ નેતા કે. કવિતાની તબિયત ખરાબ થઇ હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેમને ડીડીયુ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તિહાડ જેલ પ્રશાસન દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 


એક સમાચાર એજન્સીના ટ્વિટ પર આ માહિતી આપવામાં આવી છે. કથિત દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં, તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે કે કવિતા દક્ષિણ જૂથનો ભાગ હતી. જેણે દિલ્હીમાં દારૂના ઠેકાણાઓના લાયસન્સ માટે AAP સરકારને લાંચ આપી હતી. આ આરોપોનો સામનો કરી રહેલી કવિતા હાલમાં તપાસ એજન્સીઓની પકડમાં છે અને તિહાર જેલમાં બંધ છે.

શું છે આરોપ ?

ચાર્જશીટ મુજબ કે કવિતા રૂ. 292.8 કરોડના ગુનામાં સામેલ હતી. તેમાં રૂ. 100 કરોડ (આપ નેતાઓને લાંચ) અને રૂ. 192.8 કરોડ (ઇન્ડોસ્પિરિટ્સના લાભો)નો સમાવેશ થાય છે. કવિતાએ પોતાની ભૂમિકા છુપાવવા માટે ડિજિટલ પુરાવાનો નાશ કર્યો. કવિતાએ તેના મોબાઈલ ફોનના પુરાવા અને સામગ્રીનો નાશ કર્યો. કે. કવિતાએ વિજય નાયર (જેઓ AAPના ટોચના નેતાઓ વતી કામ કરતા હતા) મારફત સાઉથ ગ્રૂપના સભ્યો અને AAP નેતાઓ સાથે રૂ. 1100 કરોડની લાંચ આપવા અને અયોગ્ય લાભો મેળવવાનું કાવતરું ઘડ્યું હતું.

15 માર્ચે કરવામાં આવી હતી ધરપકડ

મહત્વનું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાની 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં એક તરફ સીબીઆઈ કથિત દારૂ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. આ મામલે કે. કવિતાએ દિલ્હી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે કે. કવિતાની જામીન અરજી ફગાવી હતી.. આ જામીન અરજીઓ CBI અને ED કેસમાં દાખલ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. 

  • Follow us on: