- ચારધામ યાત્રા દરમિયાન 64 શ્રદ્ધાળુઓના મોત
- હાયપોથર્મિયા અને હાર્ટ એટેકને કારણે મોત
- અત્યાર સુધીમાં 10લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામ પહોંચ્યા
ચારધામ યાત્રા પર લાખોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. છેલ્લા 14 દિવસમાં તો શ્રદ્ધાળુઓના આંકડો 10લાખને પાર પહોંચ્યો છે. તેવામાં શ્રદ્ધાળુઓના મોતને લઇને પણ સમાચાર સામે આવી રહ્યા છે.
64 લોકોના મોત
ચાર ધામ યાત્રા દરમિયાન મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. . તાજેતરમાં હેમકુંડ સાહિબની યાત્રાએ આવેલા પંજાબના ત્રણ શ્રદ્ધાળુઓનું હાર્ટ એટેકથી મોત થયા. આ સિવાય બદ્રીનાથ ધામમાં એક તીર્થયાત્રીનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. આ સાથે હેમકુંડ સાહિબ સહિત ચારેય ધામોમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 64 થઈ ગઈ છે.
કેદારનાથમાં શું છે સ્થિતિ ?
કેદારનાથ ધામની 17 દિવસની યાત્રા દરમિયાન 27 શ્રદ્ધાળુઓના મોત થયા છે. હાયપોથર્મિયા અને હાર્ટ એટેક મૃત્યુના મુખ્ય કારણો છે. કેદારનાથ ધામમાં જે યાત્રાળુઓને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આ કારણ હોઇ શકે જવાબદાર
કેદારનાથ ધામમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. ઘણીવાર તો તાપમાન શૂન્ય ડિગ્રી પહોંચી જાય છે. તેવામાં ઠંડા પવનોને કારણે શ્રદ્ધાળુઓેને સ્વાસ્થ્યની સમસ્યા જોવા મળે છે. ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ અને ઠંડકને કારણે સતત બદલાતા વાતાવરણને લીધે સ્થિતિ ખરાબ બની જાય છે. ઘણીવાર તો અત્યંત ઠંડક ફેલાતા યાત્રીઓ હાયપોથર્મિયાનો શિકાર બને છે જે મોતનું કારણ હોઇ શકે છે.
આટલુ રાખો ધ્યાન
હાલ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. પરંતુ કેદારનાથમાં હવામાન મિશ્ર સ્થિતિમાં જોવા મળે છે. ત્યારે જો તમે પણ ચારધામ જઇ રહ્યા હોવ તો ગરમ કપડા અને વરસાદથી બચવા માટે તમામ તૈયારીઓ કરીને જ જવું. આ ઉપરાંત 50 કે તેથી વધારે ઉંમરના યાત્રીઓએ હેલ્થ ચેકઅપ તો અવશ્ય કરાવવુ . જો તેઓ ફિટ જણાય તો તો જ ચારધામ યાત્રા પર જવુ જોઇએ. તેમ છતાં પણ યાત્રા દરમિયાન જો કંઇ જરૂર જણાય તો ડોક્ટરને અવશ્ય સંપર્ક કરવો.