- ઉત્તરાખંડ ચારધામ યાત્રાને શ્રદ્ધાળુઓનો જબરદસ્ત પ્રતિસાદ
- 14 દિવસમાં જ લાખોની સંખ્યામાં આવ્યા શ્રદ્ધાળુઓ
- 14 દિવસોમાં 52 શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત
ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ હતી ત્યારથી લઇને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં યાત્રીઓ દર્શન કરવા પહોંચ્યા છે. કેદારનાથ, યમુનોત્રી, ગંગોત્રી અને બાબા બદ્રીવિશાલના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. ત્યારે આવો જાણીએ 10મેથી લઇને 24 મે સુધી આ યાત્રા કેવી રહી, શું બનાવો બન્યા અને કેટલા લોકોએ દર્શન કર્યા.
આટલા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
ચારધામ યાત્રાની શરૂઆત થતા જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. ત્યારે 10 મેથી લઇને 24 મે સુધીના 14 દિવસોમાં 10 લાખ 30 હજાર 621 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધી ચારધામ યાત્રા માટે 31 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સૌથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથમાં
ચારધામ યાત્રામાં સૌથી વધારે કેદારનાથમાં વધુ લોકો પહોંચ્યા છે. સૌથી વધુ 4 લાખ 47 હજાર 56 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે. મહત્વનું છે કે ચારધામોમાં દર્શન માટે આવતા ભક્તોની સતત ભીડને જોતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ પર 31 મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. આશા છે કે ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન 31 મે પછી શરૂ થઈ શકે છે.
અધિકારીઓને આપી સૂચના
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને સૂચના આપી છે કે જે ભક્તો છેલ્લા 7-8 દિવસથી હરિદ્વાર અથવા ઋષિકેશમાં ચારધામ યાત્રા માટે ઑફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટર ખોલવાની રાહ જોઈ રહ્યા છે તેમાંથી લગભગ 1,000 શ્રદ્ધાળુઓને દર્શન માટે મોકલવામાં આવશે. જો કે તેમના આદેશ અનુસાર ભક્તોને દર્શન કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે ભક્તોને કોઇ અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ક્યાં કેટલા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન ?
- યમુનોત્રી ધામ- 1,86,744 શ્રદ્ધાળુઓ
- ગંગોત્રી ધામ-1,76,793 શ્રદ્ધાળુઓ
- કેદારનાથ ધામ- 4,47,056 શ્રદ્ધાળુઓ
- બદ્રીનાથ ધામ-2,20,028 શ્રદ્ધાળુઓ