- ચિરાગ પાસવાનને મળ્યુ મોદી કેબિનેટમાં સ્થાન
- પરંપરાગત બેઠક હાજીપુરના સાંસદ
- એલજેપી પાર્ટીએ પોતાની પાંચ બેઠક પર મેળવી જીત
લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાનને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં તેમણે હાજીપુર બેઠક પરથી જીત મેળવી છે. આ ઉપરાંત તેમની પાર્ટીની તમામ પાંચ બેઠકો પર ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે મોદી કેબિનેટમાં સ્થાન પામેલા આ નવા ચહેરા વિશે સૌ કોઇ જાણવા ઉત્સુક છે. દેખાવ અને હાવ ભાવને લઇને તેઓએ લોકોનું દિલ તો જીતી જ લીધુ છે. ત્યારે આવો જાણીએ તેમની નેટવર્થ કેટલી છે.
કરોડોની સંપત્તિ ધરાવે છે ચિરાગ
ચિરાગ પાસવાનની પ્રોપર્ટી વિશે વાત કરીએ તો, લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં તેમણે પોતાની નેટવર્થનો ખુલાસો કર્યો છે, જે કરોડોમાં છે.બોલિવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કર્યા પછી કેન્દ્રીય મંત્રી બનેલા ચિરાગ પાસવાન પાસે 2.68 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે. સામે કોઇ જવાબદારી નથી. તેમના નામે કોઇ લોન કે દેવુ નથી. આ સિવાય તેમની પાસે 42,000 રૂપિયા રોકડા છે, જ્યારે લગભગ 77 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા છે.
લાખો રૂપિયાનું છે સોનું
બોલિવૂડથી કરિયરની શરૂઆત કરનારા ચિરાગ પાસવાનની ફિલ્મ ફ્લોપ રહેતા તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યુ હતુ. તેમણે 2014માં જમુઈ બિહારથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પિતા રામવિલાસ પાસવાનના અવસાન બાદ આ વખતે તેઓ પરંપરાગત બેઠક હાજીપુરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની પાસે કોઈ વીમા પોલિસી નથી. કારની વાત કરીએ તો તેમની પાસે એક ફોર્ચ્યુનર કાર છે જેની કિંમત 30 લાખ રૂપિયા છે જ્યારે એક જિપ્સી છે જેની કિંમત 5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 14 લાખ રૂપિયાના સોનાના દાગીના છે.
શેર્સમાં કર્યુ છે મોટુ રોકાણ
ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તેમણે છ કંપનીઓમાં અંદાજે 35.91 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાં સંકટમોચન મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, એક્વાવિન્ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, સ્ટ્રોંગપિલર પ્રાઇવેટ લિમિટેડ, ડિવાઇન ડિસ્ટ્રિબ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, પ્રપ્યમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને CSP સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના શેરનો સમાવેશ થાય છે.
ખેતીની જમીન નથી
ચિરાગ પાસવાન પાસે કોઈ ખેતીની જમીન નથી. આ સિવાય ચિરાગ પાસવાન પાસે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નથી. જો કે, શ્રી કૃષ્ણપુરી પટનામાં તેમના નામે એક આલીશાન ઘર નોંધાયેલું છે, જેની કિંમત 1 કરોડ 2 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. મહત્વનું છે કે બિહારની હાજીપુર બેઠક તેમના પિતાની પરંપરાગત બેઠક રહી છે. સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન 9 વખત સાંસદ બન્યા હતા. હવે તેમના પુત્ર ચિરાગ પાસવાન પિતાની બેઠક પરથી જીતીને કેબિનેટમાં સ્થાન પામ્યા છે.