- ભોપાલથી આગ્રા જઈ રહી હતી વંદે ભારત એક્સપ્રેસ
- IRCTC દ્વારા આપવામાં આવેલા ખોરાકમાં જોવા મળ્યો વંદો
- રેલવેની ફૂડ સર્વિસ પર સવાલો ઉભા થયા
આઈસ્ક્રીમમાં કાનખજુરો, વેફરના પેકેટમાં દેડકા અને ફ્લાઈટના ફૂડમાં બ્લેડ મળ્યા બાદ હવે ટ્રેનના ફૂડમાંથી વંદો મળી આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનો છે. વાસ્તવમાં, ભોપાલથી આગ્રા જતી ટ્રેનમાં એક કપલનો આરોપ છે કે IRCTC દ્વારા આપવામાં આવેલા ખોરાકમાં વંદો જોવા મળ્યો હતો. હવે IRCTCએ કપલની ફરિયાદ પર માફી માંગી છે.
સોશ્યલ નેટવર્કિંગ સાઈટ X પર એક યુઝરે ફરિયાદ કરી છે અને આરોપ લગાવ્યો છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં તેના સંબંધીઓને આપવામાં આવેલા ખોરાકમાં વંદો જોવા મળે છે. તેણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, '18-06-24ના રોજ મારા કાકા અને કાકી વંદે ભારત એક્સપ્રેસમાં ભોપાલથી આગ્રા જઈ રહ્યા હતા. IRCTC દ્વારા આપવામાં આવેલા ખોરાકમાં તેમને વંદો જોવા મળ્યો હતો. વિનંતી છે કે વિક્રેતા સામે કડક પગલાં લો અને ખાતરી કરો કે આવું ફરી ક્યારેય ન થાય. તેમણે પોતાની પોસ્ટમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રાલયને પણ ટેગ કર્યા છે.
IRCTCએ માગી માફી
હવે, આ પોસ્ટ શેર કર્યાના બે દિવસ પછી IRCTCએ માફી માગી છે અને કહ્યું છે કે સર્વિસ પ્રોવાઈડર સામે પેનલ્ટી લગાવવામાં આવી છે. IRCTCએ તેની પોસ્ટમાં બતાવ્યું છે કે, 'સર, અમે તમારા અનુભવ માટે માફી માગીએ છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને સંબંધિત સર્વિસ પ્રોવાઈડર પર યોગ્ય દંડ ફટકારવામાં આવ્યો છે. અમે લોજિસ્ટિક્સ મોનિટરિંગને પણ સઘન બનાવ્યું છે. રેલ્વે સેવાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ટ્રેનના ફૂડમાં કીડા વગેરે મળી આવ્યા હોય આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં રેલવેની ફૂડ સર્વિસ પર સવાલો ઉભા થયા છે. ફેબ્રુઆરીમાં પણ એક વ્યક્તિએ આવી જ ફરિયાદ કરી હતી, જ્યારે તેને વંદે ભારત ટ્રેનમાં મળેલા ખોરાકમાં મૃત વંદો મળ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેનમાં ફૂડ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાના ફૂડમાંથી બ્લેડ મળી આવી હતી
તાજેતરમાં, બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટમાં એક મુસાફરે તેના ખોરાકમાં બ્લેડ મળવાની ફરિયાદ કરી. એર ઈન્ડિયાએ બ્લેડ જેવી વસ્તુઓ રાખવા બદલ માફી પણ માંગી હતી અને બિઝનેસ ક્લાસની ટિકિટ ઓફર કરી હતી. જોકે, મુસાફરે તેને લેવાની ના પાડી દીધી હતી.