મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને લઇને શરુ થયેલો વિવાદ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યો. આ અસર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ હવે મધ્યપ્રદેશમાં પણ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશના જબલપુરથી પણ એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના એક મહિલા નેતાએ ભગવાન પરશુરામની સરખામણી ઔરંગઝેબ સાથે કરી દીધી. પછી માહોલ એવો ગરમાયો કે ખુદ કોંગ્રેસના નેતાઓ તેમની પાસે સ્પષ્ટતા માગવા લાગ્યા. આખરે તેમણે માફી માગવી પડી. આવો જાણીએ શું છે વિવાદ..


કોંગ્રેસના નેતાએ પોસ્ટ શેર કરવી પડી ભારે

જબલપુરની પૂર્વ કોંગ્રેસ જિલ્લાધ્યાક્ષ રેખા જૈનએ ભગવાન પરશુરામની તુલના ઓરંગઝેબ સાથે કરી દેતા બબાલ થઇ છે. ફેસબુક પોસ્ટ કરતા વિવાદ છેડાયો છે. આ પોસ્ટ બાદ બ્રાહ્મણ સમુદાયે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વ્યાપક વિરોધ બાદ કોંગ્રેસે રેખા જૈનને પણ નોટિસ ફટકારી છે. જબલપુર શહેર કોંગ્રેસે રેખા જૈનને નોટિસ ફટકારી છે અને તેમને 48 કલાકની અંદર માફી માંગવાનો નિર્દેશ આપ્યો છે.

બ્રાહ્મણ સમુદાયનો વિરોધ અને કોંગ્રેસ તરફથી નોટિસ મળ્યા બાદ કોંગ્રેસ નેતા રેખા જૈનનું વલણ નરમ જોવા મળ્યું હતું, તેઓએ બાદમાં મીડિયા સમક્ષ આવીને માફી માંગી હતી. પરંતુ કોંગ્રેસની મહિલા નેતા દ્વારા આ પ્રકારના નિવેદનને લઇને જબલપુર કોંગ્રેસ આકરાપાણીએ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે રેખા જૈનના કારણે કોંગ્રેસની ધર્મનિરપેક્ષ છબી ખરડાઈ છે.


શું છે વિવાદ ?

વાત એવી હતી કે કોંગ્રેસ નેતા રેખા જૈનએ સ્ટોરી ટેલરની એક ફેસબુક પોસ્ટ શેર કરતા વિવાદ થયો હતો. આ પોસ્ટમાં ભગવાન પરશુરામની સરખામણી ઔરંગઝેબ સાથે કરવામાં આવી હતી.

ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ઔરંગઝેબે તેના ભાઈનું માથું કાપીને તેના પિતાને તેનું માથું આપ્યું હતું, જ્યારે પરશુરામે તેની માતાનું માથું કાપીને તેના પિતાને તેનું માથું આપ્યું હતું. વિવેકહીન અને ક્રૂર લોકો તો બંને તરફ છે. પરંતુ હિન્દુત્વનો રોગ વધુ ખતરનાક છે કારણ કે જે લોકો પરશુરામને અવતાર અને ધર્મનું પ્રતીક માને છે તેઓ ફક્ત બ્રાહ્મણો જ નહીં, પણ હિન્દુઓના નેતા પણ છે.

આ પોસ્ટ વાયરલ થયા પછી જબલપુર સહિત અન્ય ઘણી જગ્યાએ હિન્દુ સંગઠનોએ તેનો સખત વિરોધ કર્યો. વિરોધ વધતો જોઈને રેખા જૈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી દીધી. વિરોધ વધતો જોઈને કોંગ્રેસ નેતા રેખા જૈને મીડિયા સામે આવીને માફી માંગી હતી.


  • Follow us on: