ચક્રવાતી તોફાન દાનાએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તે ગુરુવારે મોડી રાત્રે ઓડિશાના દરિયાકાંઠે અથડાશે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા આ ચક્રવાતી તોફાનની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળશે. ચક્રવાતી તોફાન દાના આગળ વધી રહ્યું છે. હાલ બન્ને રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 500થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઓડિશા અને બંગાળમાં 16 કલાક માટે ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બન્ને રાજ્યોના લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું છે. ખતરાને જોતા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવે સવાલ એ થાય છે કે ચક્રવાતી તોફાન શા માટે આવે છે, તેનું નામ 'દાના' કોણે રાખ્યું અને બંગાળની ખાડીમાંથી ઉદ્દભવતું આ ચક્રવાતી તોફાન કેટલી તબાહી લાવી શકે છે?
ચક્રવાતી તોફાનો શા માટે આવે છે?
બ્યુરો ઓફ મેટ્રોલોજી અનુસાર ચક્રવાત ચોક્કસ પરિસ્થિતિમાં રચાય છે. આ ત્યારે થાય છે જ્યારે દરિયાની સપાટીનું તાપમાન 26.5 ડિગ્રીને પાર કરે છે અને પવન સમુદ્રમાંથી ઉપરની તરફ આવવા લાગે છે. આ ગરમ પવનો ઉપર આવે છે અને નીચે નીચા દબાણનો વિસ્તાર બને છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આસપાસના પવનોને કારણે નીચા દબાણવાળા વિસ્તારમાં દબાણ વધતું જાય છે. આનાથી ચક્રવાતની સ્થિતિ સર્જાય છે. ચક્રવાત થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા સુધી ટકી શકે છે.
દાનાનો અર્થ શું છે, કોણે આપ્યું આ નામ?
ઓગસ્ટમાં ચક્રવાત અસના પછી છેલ્લા બે મહિનામાં દાના ભારતીય દરિયાકાંઠે ત્રાટકેલું બીજું વાવાઝોડું છે. વાવાઝોડાને નામ આપવાની એક સિસ્ટમ છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO)/યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક હેઠળ વર્ષ 2000માં તેમના નામકરણની શરૂઆત કરવામાં આવી હતી.
આ દેશો તોફાનોને આપે છે નામ
આ ગ્રૂપમાં બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, શ્રીલંકા, પાકિસ્તાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. જો કે, 2018માં પાંચ વધુ દેશો ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને યમનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દેશો તોફાનોને પોતાના નામ આપે છે. આ દેશોએ પોતપોતાની બાજુથી વાવાઝોડાના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
'દાના' નામ કોણે આપ્યું?
WMOએ દેશો દ્વારા આપવામાં આવેલા નામોની યાદી બનાવી રાખી છે. આ જ કારણ છે કે તોફાન આવતા પહેલા તેનું નામ શું હશે તે નક્કી થઈ જાય છે. આ યાદી દર છ વર્ષે બદલાય છે. 'દાના' શબ્દ જે હાલમાં ચર્ચામાં છે તે અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ 'ઉદારતા' થાય છે. આ નામ કતાર દ્વારા આપવામાં આવ્યું છે.
દાના કેટલી તબાહી લાવી શકે?
વાવાઝોડાની અસર ઓડિશા અને બંગાળમાં જોવા મળી રહી છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં ભારતીય હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતી કહ્યું કે, ચક્રવાતી તોફાન દાનાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. તે હાલ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડું ઓડિશામાંથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે
દાના તોફાન 24 ઓક્ટોબર ગુરુવારે લગભગ રાતના 2 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે અથડાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાન ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. વિસ્તારોમાં 30 સેમી સુધી વરસાદ પડી શકે છે. તોફાન કેટલી તબાહી મચાવી શકે છે તે એ વાત પરથી સમજી શકાય છે કે ઓડિશાના 14 જિલ્લાના 10 લાખ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
છત્તીસગઢમાં પણ દાનાની અસર જોવા મળશે
દાનાની અસર માત્ર ઓડિશા અને પશ્ચિમ બંગાળ સુધી સીમિત નહીં રહે, આ અસર છત્તીસગઢના મધ્ય, દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં પણ જોવા મળશે. ઘણા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાશે અને વરસાદ પડશે.
શાળા-કોલેજો રહેશે બંધ
બન્ને રાજ્યોમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF), ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરી છે. રાજ્યના 14 જિલ્લામાં 25 ઓક્ટોબરે શાળા-કોલેજો બંધ રહેશે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને ઓડિશા હાઈકોર્ટ 25 ઓક્ટોબર સુધી બંધ રહેશે.