25મી ઓક્ટોબરની સવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે તોફાની સવાર રહેશે. બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાત 'દાના' તેના તાંતણા વીણવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલમાં તે ઓડિશાના દરિયા કિનારાની નજીક છે અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, તેની સ્પીડ અત્યારે ઓછી છે, પરંતુ જ્યારે તે સવારે લેન્ડફોલ કરશે ત્યારે તેની સ્પીડ 120 થી 140 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ પડી શકે છે.


'દાના'ના ભયાનક સ્વરૂપને જોતા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અન્ય ત્રણ રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યો ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ છે. NDRFની સાથે SDRFને ત્રણેય રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ઓડિશાના બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટને 16 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

‘દાના’ ક્યાં હિટ થશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'દાના' ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે અસર કરશે. ચક્રવાત 'દાના' શુક્રવારે સવારે ઉત્તરી ઓડિશાના ભીતરકણિકા નેશનલ પાર્ક, ભદ્રક જિલ્લાના ધમરા બંદર અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશામાં થશે. તોફાન પહેલા 10 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડશે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝીએ કહ્યું કે, બુધવારે સવાર સુધી 10 લાખ લોકોમાંથી 30 ટકા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જગન્નાથ મંદિરમાં ન જવાની સલાહ

ચક્રવાત દાના ઓડિશાના દરિયાકાંઠે આગળ વધતા અધિકારીઓએ ગુરુવારે ભક્તોને પુરીના જગન્નાથ મંદિરની મુલાકાત ન લેવાની સલાહ આપી અને 12મી સદીના મંદિર પર આપત્તિની અસરને ઘટાડવા માટે તૈયારીઓ વધારી દેવામાં આવી છે. પુરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ એસ સ્વેને જણાવ્યું હતું કે, મહિનાના કારતક ઉપવાસનું પાલન કરતા ભક્તો સહિત તમામ તીર્થયાત્રીઓએ સુરક્ષાના કારણોસર મંદિરમાં જવાનું ટાળવું જોઈએ.

કોણાર્ક મંદિરને બે દિવસ માટે બંધ રહેશે

પુરી પ્રશાસને ચક્રવાત દરમિયાન સીસીટીવી કેમેરાને નુકસાન થવાથી બચાવવા માટે પગલાં લીધાં છે. પાવર કટના કિસ્સામાં અન્ય સાધનો સાથે પંપ અને જનરેટર સેટ તૈયાર રાખવામાં આવ્યા છે. શ્રી જગન્નાથ મંદિર ઉપરાંત કોણાર્કમાં આવેલા 13મી સદીના સૂર્ય મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર અને ASIએ પગલાં લીધાં છે. ASIએ કોણાર્ક મંદિરને બે દિવસ માટે બંધ કરી દીધું છે, જ્યારે જિલ્લા પોલીસે તમામ પ્રવાસીઓને દરિયા કિનારા પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

'દાના' પ્રવેશશે ત્યારે ક્યાં વરસાદ પડશે?

બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગુરુવાર સવારથી મધ્યમથી ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે કોલકાતામાં વાદળછાયું વાતાવરણ છે અને વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. IMDના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવાર અને શુક્રવારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, કોલકાતા, હાવડા અને હુગલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

'દાના'નો સામનો કરવા માટે શું તૈયારીઓ છે?

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ કહ્યું કે, તેઓ હાઈ એલર્ટ પર છે. બંગાળની ખાડી પર કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે જહાજો અને વિમાન તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે NDRFએ કહ્યું કે, તેમની 20 ટીમો માત્ર ઓડિશામાં જ તૈનાત છે. પશ્ચિમ બંગાળમાં 17 ટીમો તૈનાત છે. આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં નવ-નવ ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે એક ટીમ છત્તીસગઢમાં તૈનાત કરવામાં આવી છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના મુખ્યાલયમાં એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે અને તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.


  • Follow us on: