દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન શહેરમાં છે. ત્યાં તેઓ બ્રિકસ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. આ સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે વિશ્વના જુદાજુદા હિસ્સામાં ઘણા મોરચા પર યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમ્યાન ભારત અને રશિયાની વચ્ચે એક મહત્ત્વનો કરાર થયો છે. આ કરાર હેઠળ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ડિસેમ્બરમાં રશિયાનો પ્રવાસ કરશે. જેમાં તેઓ રશિયાની સાથે અઢી અબજ ડોલરનો સંરક્ષણ ડીલ કરશે. આ ડીલ હેઠળ કિનિનદગ્રાદમાં નિર્મિત બે સ્ટીલ્થ ફ્રિગેટમાંથી પહેલા આઈએનએસ તુશિલને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવશે.
જો કે, S-400 મિસાઇલ સિસ્ટમ્સ અને સ્ટીલ્થ ફ્રિગેટ્સ સહિત રશિયા પાસેથી મંગાવવામાં આવેલી અનેક સંરક્ષણ પ્રણાલીઓની ડિલિવરી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પહેલાથી જ વિલંબિત થઈ ચૂકી છે. રશિયાના કેલિનિનગ્રાડમાં યાંતાર શિપયાર્ડમાં બનાવવામાં આવી રહેલા પ્રથમ યુદ્ધ જહાજનું નામ INS તુશીલ અને બીજાનું નામ INS Tamal છે. બંને યુદ્ધ જહાજોની ડિલિવરી 2022ના અંત સુધીમાં થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો. હવે બીજા યુદ્ધ જહાજ INS તમાલને આવતા વર્ષની શરૂઆતમાં સપ્લાય કરવામાં આવનાર છે.
ઘણા મહત્વપૂર્ણ કરાર થશે
અત્યાર સુધીમાં સાત તલવાર વર્ગના યુદ્ધ જહાજો બનાવવામાં આવ્યા છે, જેમાંથી છ સક્રિય છે. ચાર નવા યુદ્ધ જહાજ બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી બે રશિયામાં અને બે ભારતમાં બનાવવામાં આવશે. આ યુદ્ધ જહાજોનું દરિયાઈ વિસ્થાપન 3,850 ટન છે. ભારતે રશિયા સાથે ચાર તલવાર-ક્લાસ ફ્રિગેટ્સ માટે આંતર-સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પર 2018 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર અનુસાર બે યુદ્ધ જહાજ સંપૂર્ણપણે રશિયામાં બનાવવામાં આવશે અને રશિયાના ટેકનિકલ સહયોગથી ભારતના ગોવા શિપયાર્ડમાં બે યુદ્ધ જહાજ બનાવવામાં આવશે. યંતર શિપયાર્ડ છ ઓપરેશનલ તલવાર ક્લાસ ફ્રિગેટમાંથી ત્રણનું નિર્માણ કર્યું છે.
રશિયાના યુદ્ધ જહાજોની વિશેષતા શું છે?
આ સ્ટીલ્થ યુદ્ધ જહાજો છે, જેનો અર્થ છે કે તેમને રડારથી ટ્રેક કરવા મુશ્કેલ છે. તેમાં પાણીની અંદરનો અવાજ ઘણો ઓછો હોય છે, જેના કારણે સબમરીન તેને સરળતાથી શોધી શકતી નથી. આ જહાજો ગેસ ટર્બાઇન એન્જિન પર ચાલે છે અને દરિયામાં 59 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. આ યુદ્ધ જહાજોમાં 18 અધિકારીઓ અને 180 સૈનિકો 30 દિવસ સુધી દરિયામાં તૈનાત રહી શકે છે. આ જમીનથી જમીન અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ છે. સબમરિનનો નાશ કરવા માટે તેમાં ટોર્પિડો ટ્યુબ પણ લગાવવામાં આવી છે. આ યુદ્ધજહાજો નૌકાદળના યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં ભારતીય અને રશિયન શસ્ત્રો અને સેન્સરનું શક્તિશાળી સંયોજન છે.