ઈઝરાયલ ફરી એકવાર મરણિયું બન્યું છે. તેને લેબેનોનની રાજધાની બેરુત અને આસપાસ હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 12થી વધુ લોકોનાં મોત થયા હતા. જ્યારે 57થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, દેશના સૌથી જાહેર હોસ્પિટલને ઘણું નુકસાન થયું હતું. અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકનના ક્ષેત્રમાં પહોંચવાના થોડા કલાકો પહેલા ઈઝરાયલે રોકેટ છોડયા હતા.
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે થયેલા હવાઈ હુમલામાં અન્ય 57 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં દક્ષિણ બેરૂતની બહાર સ્થિત રફીક હરીરી યુનિવર્સિટી હોસ્પિટલની સામેની અનેક ઈમારતો નાથ થઈ ગઈ હતી.
હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો
ઈઝરાયલી સેનાએ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો હતો અને હોસ્પિટલને નિશાન બનાવ્યું ન હતું. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્લિંકને ગાઝામાં યુદ્ધનો અંત લાવવા, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિ અને પેલેસ્ટિનિયન નાગરિકોની વેદના દૂર કરવા અંગે ચર્ચા કરી હતી.
હમાસને ખતમ કરવાનો સંકલ્પ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને નાશ કરવાનો અને સંગઠન દ્વારા બંધક બનાવાયેલા ડઝનેક લોકોને મુક્ત કરવાનું વચન આપ્યું છે. હમાસનું કહેવું છે કે તે કાયમી યુદ્ધવિરામ, ગાઝામાંથી ઈઝરાયલની સંપૂર્ણ પાછી પાની અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં જ બંધકોને મુક્ત કરશે.
હિઝબુલ્લાહે અનેક રોકેટ છોડ્યા
હિઝબુલ્લાહે મંગળવારે મધ્ય ઈઝરાયલમાં ઘણા રોકેટ છોડ્યા હતા. જેથી ઈઝરાયલના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વાગી ઉઠયા હતા. ઈઝરાયલની સેનાએ કહ્યું કે લેબનોનથી ઈઝરાયલમાં પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને એન્ટી મિસાઈલ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. એક રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યું હતું.
હિઝબુલ્લાહ દ્વારા ચલાવવામાં આવતી નાણાકીય સંસ્થાને નિશાન બનાવીને ઈઝરાયલે લેબનોનમાં હુમલામાં વધારો કર્યો હતો અને હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ બાદ ફરી ગાઝામાં યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે.
ઈઝરાયલ પર હમાસનો હુમલો
ગયા વર્ષે 7 ઑક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝામાં ઈઝરાયલના વળતા હુમલામાં 42,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ગાઝાના મોટાભાગના વિસ્તારો યુદ્ધથી ખંડેર થઈ ગયા છે અને તેની 2.3 મિલિયનની વસ્તીમાંથી લગભગ 90 ટકા લોકો બેઘર થયા છે.













