- દિલ્હીના બુરાડી સરકારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને ધમકી મળી
- આ અગાઉ દિલ્હીની શાળાને બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી
- દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટને પણ ઈ-મેઈલથી ધમકી મળી
દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઈ-મેઈલથી ધમકી અપાઈ છે. આ વખતે દિલ્હીની બે જાણીતી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત આઈજીઆઈ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરાંત બે હોસ્પિટલનો ઈ-મેઈલ કરી ધમકી આપવામાં આવે છે તેમાં દિલ્હીના બુરાડી વિસ્તારના સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીમાં આવેલા સંજય ગાંધી હોસ્પિટલ સામેલ છે. આ ધમકી મળ્યા પછી પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. મહત્ત્વનું છે કે, બોમ્બની ધમકી મળ્યા પછી સર્ચ ઓપરેશ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ધમકીભર્યા ઈ-મેઈલની ફરિયાદ એરપોર્ટ અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારરા પોલીસ કરવામાં આવી હતી. ત્યારબાદ તાબડતોબ પોલીસની ટીમ ઘટનાસ્થલે પહોંચી હતી. પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમ પણ પહોંચીને હોસ્પિટના ખૂણે-ખૂણાની સઘન તપાસ કરી હતી.
દિલ્હી પોલીસે આ અંગે શું કહ્યું...
ડીસીપી (ઉત્તર). મનોજ મીણાએ જણાવ્યું હતું કે બોમ્બની માહિતી મળ્યા બાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. દિલ્હી પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બુરાડી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો (BDT) સ્થળ પર હાજર છે પરંતુ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
માહિતી એ પણ સામે આવી છે કે પોલીસને બપોરે લગભગ 3.17 વાગ્યે પહેલો કોલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બુરાડી હોસ્પિટલમાં ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો છે. આ પછી 4.26 મિનિટે બીજો કોલ આવ્યો જેમાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હોવાની માહિતી હતી.
હોસ્પિટલ વહીવટી તંત્રની પ્રતિક્રિયા...
દિલ્હીના બુરાડી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિષ ગોયલે કહ્યું કે તેમને સાંજે લગભગ 3:00 વાગ્યે ઈ-મેઈલ મળ્યો હતો. ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. જ્યારે હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓએ પહેલા તપાસ કરી તો તેમને કંઈ મળ્યું ન હતું. ત્યારપછી પોલીસે તેની તપાસ કરી તો ત્યાં કશું મળ્યું નહીં. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે હોસ્પિટલમાં અરાજકતાનું વાતાવરણ નથી. હવે બધું સામાન્ય છે.
પરંતુ દિલ્હી પોલીસે એ સમયે જણાવ્યું કે તેઓ આ મુદ્દો હળવાશથી નથી લઈ રહ્યા. આની ઊંડાણથી તપાસ કરાશે. દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓને એકસાથે ધમકી મળ્યા પછી હવે બે મોટા હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ચકચાર મચી ગઈ છે. ઘણી શાળાઓને મળેલી ધમકીને લઈ દિલ્હી પોલીસની તપાસમાં અત્યાર સુધી એવું સામે આવ્યું થે કે આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવા રશિયાના સર્વરનો ઉપયોગ કરાયો હતો. દિલ્હી પોલીસે ધમકી મોકલનાર શખ્સને પકડવા મોસ્કોની મદદ માંગી છે. આ મુદ્દાને ઊંડાઈથી તપાસ ચાલી રહી છે
દિલ્હીની શાળાઓને ધમકીઓ મળી હતી
તમને યાદ અપાવી દઈએ કે તાજેતરમાં દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ એક સાથે મોકલવામાં આવ્યો હતો. એક સાથે અનેક શાળા સંચાલકોએ આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી. આ પછી હંગામો થયો હતો. બાળકોના પરિવારજનો શાળાએ પહોંચ્યા હતા અને બાળકોને તેમના ઘરે લઈ ગયા હતા. ફોર્સ સાથે આવેલી પોલીસે દિલ્હીની ઘણી સ્કૂલોને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્નિફર ડોગ્સની મદદથી વિવિધ સ્કૂલોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થોડા કલાકોની શોધખોળ બાદ ખબર પડી કે બોમ્બની ધમકીનો ઈ-મેલ ખોટો છે. આ સર્ચ દરમિયાન કોઈપણ શાળાના પરિસરમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.